રાજેન્દ્ર શર્મા :- દાહોદ લાઈવ ડેસ્ક……
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ખજૂરી ગામના ગુમ થયેલા ત્રણેય પિતરાઇ ભાઈ-બહેન મોરબીની કન્ટ્રક્શન સાઈટ પરથી હેમખેમ મળી આવતા પરિજનો તેમજ પોલિસે રાહતનો દમ લીધો.
દાહોદ તા.03
ધાનપુર તાલુકાના ખજુરી ગામે બામણીયા ફળિયામાં રહેતા સુનિતાબેન વરસીંગભાઇ બામણીયા (આશરે ઉંમર વર્ષ 13), ઈશ્વરભાઈ સુમલાભાઈ (ઉ.વ.આશરે ૧૭ વર્ષ) અને તેનો નાનો પિતરાઈ ભાઈ બામણીયા વિક્રમભાઈ વરસીંગભાઈ આ ત્રણે ભાઈ – બહેન હોળીના દિવસે ગામમાં હોળી જાેવા ગયાં હતાં. હોળી જાેયા ગયા બાદ પણ ઘણો સમય વિત્યાં બાદ આ ત્રણે બાળકો ઘરે ન આવતાં પરિવારજનો દ્વારા ગામમાં ત્રણેયની ભારે શોધખોળ આદરી હતી પરંતુ કોઈ પત્તો લાગ્યો ન હતો ત્યારે આ ત્રણે બાળકો ક્યાંક ગયા હશે? તેવી ચિંતાઓ સાથે પરિવારજનો પોલીસ મથકે જઈ ત્રણે બાળકોને ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલિસે ટેક્નિકલ સોર્સની મદદ વડે મોરબીની એક કન્ટ્રક્શન સાઈટ પરથી હેમખેમ મળી આવ્યા હતા. ત્યારબાદ આજે પોલિસે ત્રણેય બાળકોને ધાનપુર ખાતે લાવી માં-બાપની હાજરીમાં કાઉન્સેલિંગ કરી પોતાના ગામથી મોરબીની કન્સ્ટ્રકશન સાઈડ સુધી કેવી રીતે પહોંચ્યા તે અંગેની તપાસમાં જોતરાઈ ગયા હતા.
લાંબા સમયથી ઘરે કંટાળેલા પિતરાઇ ભાઈ-બહેન ઘરેથી હોળી જોવા ગયા બાદ મોરબી પહોંચી ગયા
ધાનપુરના ખજૂરી ગામના ત્રણેય પિતરાઇ ભાઇ-બહેનો હોળી જોવા નજીકના ગામમાં ગયા હતા. જોકે ઘણા સમયથી ઘરે હોય ઘરેથી કંટાળેલા ત્રણે ભાઈ-બહેન વાહન મારફતે મોરબીની એક કન્ટ્રકશન સાઈટ પર પહોંચી ગયા હતા. આ બાજુ ત્રણે બાળકો ગૂમ થતાં પરિવારજનો તેમજ પોલીસની અનેક શંકા-કુશંકાઓની વચ્ચે તરણેતરની ચર્ચાઓએ જોર પકડ્યું હતું.પરંતુ ધાનપુર પોલીસ મથકના પી.એસ.આઇ બી. એમ. પટેલ તેમજ તેમના સ્ટાફે આ બનાવને ગંભીરતાથી લઇ તમામ પાસાઓને ધ્યાને લઇ તલસ્પર્શી તપાસ આદરતા ટેકનિકલ સોર્સની મદદથી આ ત્રણેય ભાઈ બહેનને હેમખેમ પરત લાવવામાં સફળતા સાંપડી હતી. જોકે મળતી માહિતી મુજબ આ ત્રણે ભાઈ-બહેન પોતાના પરિવાર જોડે અગાઉ મોરબી ખાતે મજુરી કામ અર્થે ગયા હતા. જેથી હોળી જોઈ આ ત્રણેય ભાઈ-બહેન વાહન મારફતે મોરબી પહોંચી ગયા હતા.
ધાનપુર પોલિસે ટેક્સનીકલ સોર્સ મારફતે ત્રણે ભાઈ-બહેનનો પગેરું શોધવામાં સફળતા સાંપડી
ધાનપુરના ખજૂરી ગામના સગીર વયના ત્રણ પિતરાઇ ભાઇ-બહેન હોળી જોવાનું કહી ઘરેથી ગુમ થયા બાદ પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા. લાંબી શોધખોળ બાદ પણ આ ત્રણેય બહેન નો કોઈ અતો પતો ન લાગતા છેવટે થાકીને આ બાળકોના પરિવારજનો એ ધાનપુર પોલીસ મથકનો સંપર્ક કરતા ધાનપુર પોલીસ મથકના પીએસઆઇ બી.એમ પટેલે આ મામલામાં તલસ્પર્શી તપાસ હાથ ધરતા ગુમ થયેલ અને બાળકો પૈકી ૧૭ વર્ષીય ઈશ્વર સોમલા બામણીયા પોતાની સાથે મોબાઇલ લઇ ગયો હતો.જોકે પોલીસે આ મોબાઈલ સર્વેલન્સ પર નાખી તપાસ કરતા આ મોબાઈલની લોકેશન મોરબી ની કન્સ્ટ્રકશન સાઈડ પર આવી હતી. જે બાદ પોલિસે ઉપરોક્ત જગ્યા પર તપાસ હાથ ધરતાં ત્રણેય ભાઈ બહેન કન્ટ્રકશન સાઈટ પરથી હેમખેમ મળી આવતા પોલીસે રાહતનો દમ લીધો હતો.