પવનની મંદ અને તેજ ગતિ વચ્ચે શહેરીજનોએ મનાવ્યો ઉતરાયણનો પર્વ, વાસી ઉતરાયણમાં પણ દિવસભર રંગબેરંગી પતંગ ઉડાડવાની સાથે દિવાળીની જેમ આતીશબાજી,ચાઈનીઝ ગુબ્બારાઓ (તુક્કલ )આકાશમાં ચઢાવીને પતંગરસિયાઓ ફિલ્મી ગીતો પર ઝૂમ્યા, તલની ચીક્કી, ઊંધિયું, જલેબી,ફાફડા તેમજ લીલવાની કચોરી જેવી સ્વાદિષ્ટ વાનગીઓની જયાફત માણી ધુમ મચાવી
દાહોદ તા.15
દાહોદવાસીઓમાં દરવર્ષની જેમ આ વર્ષે પણ પવનની મંદ અને તેજ ગતિ વચ્ચે ઉતરાયણ પર્વ મનાવવામાં આવ્યો હતો.આભમાં પતંગોનું આકાશી યુદ્ધ અને ધાબા પર સ્પીકરો ગોઠવી ફિલ્મી ગીતો વચ્ચે ઉતરાયણ તેમજ બીજા બીજા દિવસે વાસી ઉતરાયણમાં પણ દિવાળીની જેમ આતીશબાજી,ચાઈનીઝ ગુબ્બારાઓ (તુક્કલ )આકાશમાં ચઢાવીને ઉતરાયણ પર્વને ભારે હર્ષોઉલ્લાસ સાથે મનાવ્યો હતો.દાહોદ શહેર સહિત જિલ્લામાં આકાશમાં રંગબેરંગી પતંગો દિવસભર દેખાઈ હતી.સાંજે ગુબ્બારા તેમજ આતીશબાજીએ દીપોત્સવી પર્વની યાદ તાજા કરાવી દીધી હતી.
મકરસંક્રાંતિ પર્વને શહેરીજનોએ ભરપેટ માણ્યો હતો. વહેલી સવારથી જ રંગબેરંગી પતંગો દોરીના ફીરકા લઈ પતંગ રસિયાઓ પતંગોત્સવ મનાવવા વાળા ધાબા પર પહોંચ્યા હતા. યુવાનોએ ડીજે સંગીતના તાલે પતંગો આકાશમાં ચડાવીને આકાશી યુધ્ધ શરૂ કર્યુ હતું. ઉત્તરાયણ પર્વમાં દાન પુણ્યનું મહત્વ વધારે હોવાથી ઘરની ગૃહિણીઓ તથા વડીલો દ્વારા સવારે મંદિરોમાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. દાન પુણ્ય માટેની સામગ્રી તલ,શેરડી બોર,ખાદ્ય સામગ્રી મંદિરમાં દાન સ્વરૂપે આપવામાં આવી હતી. ગાયોને ઘાસ ઘુઘરીનો ખોરાક આપવામાં આવ્યો હતો. કેટલાક શ્રદ્ધાળુઓ દ્વારા ઉજ્જૈન ચાણોદ જેવા તીર્થ સ્થાનો પર જઈ સ્નાન કરી ઉતરાયણ પર્વને ઉજવ્યો હતો.ઉતરાયણમાં શહેરીજનો પોતાના સ્વજનો સાથે ધાબા પર પતંગ ઉડાવવા મશગુલ બન્યા હતા બન્યા હતા. પર્વને લઇ શહેરના રાજમાર્ગો સુમસાન પડ્યા હતા. ઉતરાયણના દિવસે સવારે પવન ઓછો રહેતાં પતંગ રસિયાઓ નિરાશ થયા હતા જો કે બપોર પછી પવનદેવ બપોર પછી મહેરબાન થતા પતંગ રસિયાઓને આકાશી યુદ્ધ ખેલવામાં મજા પડી ગઈ હતી. દિવસભર રંગબેરંગી પતંગ ઉડાડવાની સાથે દાહોદ વાસીઓએ ડીજેના સંગીતની સાથે ઊંધિયું, જલેબી,ફાફડા તેમજ લીલવાની કચોરી જેવી સ્વાદિષ્ટ વાનગીઓની જયાફત માણી અનેરો આનંદ પ્રાપ્ત કર્યો હતો. ઉતરાયણના પર્વે ઢળતી સાંજે પતંગ રસિયાઓએ ચાઇનીસ ગુબ્બારા ઉડાવી ભવ્ય આતશબાજી કરી ઉતરાયણ પર્વને ધામધૂમથી મનાવ્યો હતો.તેમજ મોડી રાત્રે શહેરીજનોની રેસ્ટોરન્ટ તેમજ ખાણીપીણીની લારી પર ભારે ભીડ ઉમટી પડી હતી.