Thursday, 21/11/2024
Dark Mode

દાહોદ જિલ્લાની આરોગ્યલક્ષી તત્કાલ સેવામાં ૬ નવી ૧૦૮ એમ્બ્યુલન્સનો ઉમેરો,

દાહોદ જિલ્લાની આરોગ્યલક્ષી તત્કાલ સેવામાં ૬ નવી ૧૦૮ એમ્બ્યુલન્સનો ઉમેરો,

જીગ્નેશ બારીઆ @ દાહોદ 

દાહોદ જિલ્લાની આરોગ્યલક્ષી તત્કાલ સેવામાં ૬ નવી ૧૦૮ એમ્બ્યુલન્સનો ઉમેરો, દાહોદ જિલ્લામાં વિવિધ લોકેશનો પર કુલ ૨૭ એમ્બ્યુલન્સ કાર્યરત,દાહોદ જિલ્લામાં એક એમ્બ્યુલન્સ પ્રતિદિન સરેરાશ ૧૦ કેસમાં તત્કાલ સેવામાં કાર્યરત, દાહોદ વન, પાંચવાડા,ગરબાડા,લીમખેડા,કંબોઈ ચોકડી,પીપલોદ લોકેશનની એમ્બ્યુલન્સને રિપ્લેશ કરી નવી એમ્બ્યુલન્સ ફાળવાઈ,૧૦૮ના પાઇલોટ એટલે કે ડ્રાઇવરને પણ નેવીગેટર અપાશે.

દાહોદ તા.07

આકસ્મિક સંજોગોમાં દેવદૂત બનીને આવતી ૧૦૮ની સેવાને પરિણામે દાહોદ જિલ્લામાં આરોગ્ય સેવાની સહુલિયત વધી છે. ત્યારે, હવે નવી છ એમ્બ્યુલન્સને લોકોની સેવામાં મૂકવામાં આવી છે. દાહોદ જિલ્લામાં વર્તમાન સમયે કુલ ૨૭ એમ્બ્યુલન્સ કાર્યરત છે. એ પૈકી ચારથી સાડા ચાર લાખ કિલોમિટર ચાલનારી ૧૦૮ એમ્બ્યુલન્સના સ્થાને આ નવી એમ્બ્યુલન્સઓ મૂકવામાં આવી છે. કલેક્ટર શ્રી વિજય ખરાડી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી રચિત રાજે આ ગાડીઓને હરી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

દાહોદ જિલ્લામાં ૧૦૮ની સેવાનો વ્યાપ જોઇએ તો પ્રત્યેક ૧૫ કિલોમિટરના વર્તુળમાં એક એમ્બ્યુલન્સની સેવા મળી રહી છે. એક એમ્બ્યુલન્સ પ્રતિદિન સરેરાશ ૧૦ કેસમાં તત્કાલ સેવાઓ આપે છે. દાહોદ નગર સહિતના તમામ તાલુકામાં ત્રણથી ચાર એમ્બ્યુલન્સ કાર્યરત છે. એમ્બ્યુલન્સની સેવા મેળવવા માટે ફોન કરી અથવા તો તેની એપ્લિકેશન થકી અસાઇન કરી શકાય છે. પરંતુ, હાલના તબક્કે બહુધા ફોન કરીને ૧૦૮ને જાણ કરવામાં આવે છે.
રસપ્રદ વાત એ છે કે, ૧૦૮ની સેવાનું સંચાલન કરતી જીવીકે દ્વારા દેશના ૧૮ રાજ્યમાં આ સેવા સાથે જોડાયેલી છે. તે પૈકી માત્ર ગુજરાતમાં જ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ સાથે કામ કરવામાં આવે છે. જીપીએસના કારણે દર્દી સુધી પહોંચવામાં, તેનું લોકેશન શોધવામાં એકદમ સરળતા રહે છે. આ ઉપરાંત, નજીક કંઇ હોસ્પિટલ છે. તેની માહિતી પણ સરળતાથી ઉપલબ્ધ રહે છે. ૧૦૮ના પાઇલોટ એટલે કે ડ્રાઇવરને પણ નેવીગેટર આપવામાં આવે છે.
દાહોદ જિલ્લામાં ગ્રામીણ વિસ્તારમાં રિસપોન્સ ટાઇમ ૨૨ મિનિટ અને શહેરી વિસ્તારોમાં ૮ મિનિટ છે. રિસપોન્સ ટાઇમ એટલે કે કોઇ ફોન કરે એટલે ત્યાં સુધીમાં ૧૦૮ એમ્બ્યુલન્સને લાગતો સમય ! ગ્રામીણ વિસ્તારમાં રિસપોન્સ ટાઇમ ઘટાડવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
કારણ કે, દાહોદ જિલ્લાના દુર્ગમ વિસ્તારોમાં કેટલાક એવા સ્થળોથી પણ ફોન આવે છે કે જ્યાં સુધી એમ્બ્યુલન્સ પહોંચી ના શકે અને એટલે નજીકના સ્થળે પહોંચી સ્ટ્રેચર વડી દર્દીઓને લાવવામાં આવે છે. ગ્રામીણ વિસ્તારમાં રિસપોન્સ ટાઇમ ઘટાડીને ૧૯ મિનિટ સુધી લઇ જવાનો લક્ષ્યાંક છે.
૧૦૮ એમ્બ્યુલન્સનું દાહોદ જિલ્લામાં જ્યાં બેઝ હોય ત્યાં તેમને વર્ધી આપવામાં આવે એટલે માત્ર 30 સેકન્ડમાં ગાડી રવાના થઇ જાય છે. જીપીએસના કારણે નજીકમાં જે એમ્બ્યુલન્સ ઉપલબ્ધ હોય તેને અસાઇન કરવાની સરળતા રહે છે.
અસંખ્ય કિસ્સામાં ૧૦૮ એમ્બ્યુલન્સ લાઇફ સેવર સાબીત થઇ છે. ખાસ કરીને પ્રસુતિના કેસમાં ટ્વીન્સની ડિલવરી પણ ૧૦૮ એમ્બ્યુલન્સમાં કરાવવામાં આવી છે. તેના કારણે માતા અને તેના બાળકોને નવજીવન મળ્યા છે.
દાહોદ જિલ્લાને ફાળવવામાં આવેલી ૬ નવી એમ્બ્યુલન્સને હરી ઝંડી આપવામાં નિવાસી અધિક કલેક્ટર શ્રી એમ. જે. દવે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. પરમાર, જિલ્લા પશુપાલન અધિકારી ડો. ગોસાઇ, જીવીકેના શ્રી મનવીર ડાંગર, શ્રી દર્શક જોશી અને શ્રી જ્યોતીન્દ્ર ચૌધરી પણ જોડાયા હતા.

error: Content is protected !!