દાહોદ ડેસ્ક તા.૦૧
દાહોદ તાલુકાના ખરોદા ગામે આજરોજ સાંજના સમયે એક વ્યક્તિ સાંજના સમયે બકરા ચરાવી ઘરે પરત ફરતી વેળાએ વરસાદી માહૌલ વચ્ચે વીજળી પડતાં વ્યક્તિનું મોત નીપજ્યું હતુ. ઘટનાની જાણ પોલિસને થતાં તેઓ તાબડતોડ ઘટના સ્થળે પહોંચી જઈ મૃતકની લાશનો કબજા મેળવી પરિવારજનોને સોંપ્યો હતો.
દાહોદ તાલુકાના ખરોદા ગામે મુંડીયા ફળિયામાં રહેતા રસુલભાઈ ફતીયાભાઈ બીલવાળ આજરોજ સવારના સમયે બકરા ચરાવવા માટે ગયા હતા. સવારના નીકળેલા રસુલભાઈ બકરા ચરાવી સાંજના સમયે પરત ઘરે ફરતાં હતા. આ સમયગાળા દરમ્યાન દાહોદ તાલુકામાં ઘનઘોર વાદળછાયા વાતાવરણ વચ્ચે વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદ પણ વરસી રહ્યો હતો તે જ સમયે ચાલુ વરસાદે રસ્તા પરથી બકરાઓ લઈ પસાર થતાં રસુલભાઈ ફતીયાભાઈ બીલવાળ પર અચાનક વીજળી પડતાં તેઓનું સ્થળ પર મોત નીપજ્યું હતુ. આ ઘટનાની જાણ દાહોદ પોલિસને થતાં તેઓ તાબડતોડ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ મૃતકના પરિવારજનોને પણ કરાતાં તેઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા જ્યા પરિવારજનોમાં આક્રંદનો માહૌલ સર્જાયો હતો. પોલિસે તમામ કાર્યવાહીઓ બાદ મૃતકના મૃતદેહને પરિવારને સોંપ્યો હતો.