રાજેન્દ્ર શર્મા /જીગ્નેશ બારીયા :- દાહોદ
-
હોળીના તહેવાર સામે વાણિજ્ય પ્રવૃત્તિ પર પ્રતિબંધથી દાહોદ શહેર સહિત જિલ્લાના વેપારીઓમાં રોષની લાગણી ફેલાઈ
-
વેપારીઓના હિતને ધ્યાનમાં રાખી ધંધા-રોજગારમાં આંશિક છૂટછાટ આપવાની કરી માંગ
-
ઝાલોદ તાલુકાના લીમડીમાં પોલિસતંત્ર દ્વારા દુકાનો બંધ કરાવતા વેપારીઓનું પોલીસ મથકે હોબાળો

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ કોરોના સંક્રમણમાં વધારો નોંધાતા કોરોના સંક્રમણની ચેઈન ને તોડવા માટે જિલ્લા કલેકટર વિજય ખરાડીએ હોળીના તહેવારો દરમિયાન ઉજવાતા તમામ તહેવારો તેમજ રવિવારે વાણિજ્ય પ્રવૃત્તિ પર પ્રતિબંધ ફરમાવતા રવિવારના રોજ શહેર સહિત જિલ્લામાં વેપારીઓએ પોતાના ધંધા-રોજગાર બંધ રાખ્યા હતા ત્યારે ઝાલોદ તાલુકાના લીમડીમાં કેટલીક દુકાનો ખુલી જતા પોલીસ કર્મીઓ આ દુકાનો બંધ કરાવવા નીકળ્યા હતા. તે સમયે વેપારીઓ અને પોલીસ વચ્ચે ચકમક ઝરી હતી. અને પોલીસની કામગીરીના વિરોધમાં કેટલાક વેપારીઓના ટોળેટોળા લીમડી પોલીસ મથકે પહોંચી જઈ ભારે હોબાળો મચાવ્યો હતો.જોકે પોલીસે વેપારીઓ જોડે શાંતિપૂર્વક વાતચીત કરી મામલાને થાળે પાડવાનો પ્રયાસ કર્યા હતા.