જીગ્નેશ બારીયા :- દાહોદ
કોરોના કાળમાં 10 માસ બાદ શાળાઓ થઇ અનલોક:રાજ્ય સરકારની ગાઈડલાઈનના પાલન સાથે 9 થી 11 ના વર્ગો શરૂ થયાં:પ્રથમ દિવસે વિધાર્થીઓની પાંખી હાજરી
દાહોદ તા.૦૧
ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા અગાઉ ધોરણ ૧૦ અને ૧૨ના વર્ગાે ચાલુ કરવાના આદેશો બાદ આજથી ધોરણ ૯ થી ૧૧ ના પણ વર્ગાે રાબેતા મુજબ ચાલુ કરવાના આદેશો સાથે જ દાહોદ જિલ્લા શિક્ષણ વિભાગ પણ સુસજ્જ બની આજથી આ વર્ગાે પણ ચાલુ કરી દેવામાં આવ્યાં હતાં. જિલ્લાની તમામ શાળાઓમાં સેનેટરાઈઝરીંગ કરવાની કામગીરી અગાઉ આરંભ કરી દેવામાં આવી હતી. ધોરણ ૯ થી ૧૧માં ૪,૭૫૧ વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતાં જ્યારે ધોરણ ૧૦ અને ૧૨માં આજે કુલ ૧૮,૪૦૬ વિદ્યાર્થીઓ હાજર રહ્યાં છે.
કોરોના વેશ્વિક મહામારી બાદ આખુ એક વર્ષ શિક્ષણથી બાળકો વંચિત રહ્યાં હતાં ત્યારે હવે કોરોના વેક્સિન આવવાની સાથે જ નવા વર્ષના આરંભ સાથે જ ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ પણ હવે વર્ગાે શરૂ કરી દેવાના આદેશ આપી દીધા છે. ધોરણ ૧૦ અને ૧૨ના વર્ગાે શરૂ થયા બાદ આજથી ધોરણ ૯ અને ૧૧ ના વર્ગાે પણ શરૂ થતાં દાહોદ જિલ્લાની શાળાઓ ફરી ધમધમતી થઈ છે. દાહોદ જિલ્લામાં ધોરણ ૦૯માં કુલ ૩૪૯૭૨ વિદ્યાર્થી નોંધાયેલ છે જેમાંથી અત્યારે માત્ર ૬૫૭૦ વિદ્યાર્થીઓના વાલીઓએ સંમતિપત્ર આપેલ છે. તેવી જ રીતે ધોરણ ૧૦માં ૩૧૪૬૫ વિદ્યાર્થીઓ પૈકી ૧૮૫૮૦ સંમતિપત્ર આપેલ છે. ધોરણ ૧૧ની વાત કરીએ તો જિલ્લામાં કુલ ૧૨૮૭૫ વિદ્યાર્થીઓ પૈકી માત્ર ૨૪૭૫ વિદ્યાર્થીઓના સમંતિપત્ર આવેલ છે જ્યારે ધોરણ ૧૨માં જિલ્લામાં કુલ ૧૩૫૭૫ વિદ્યાર્થીઓ પૈકી ૯૮૫૦ વિદ્યાર્થીઓના સંમતિપત્ર આવેલ છે. આમ, દાહોદ જિલ્લામાં ફરીવાર શાળાઓ ખુલતાં વિદ્યાર્થીઓની ચહલ પહલ જાેવા મળી હતી. જિલ્લાની શાળાઓમાં હાલ કોવિડ – ૧૯નું પણ ચુસ્તપણ પાલન કરવામાં આવી રહ્યું છે. શાળામાં પ્રવેશતાની સાથે જ ફરજીયાત માસ્ક, સેનેટરાઈઝરનો અમલ કરવામાં આવી રહ્યો છે. આ સાથે જ દરેક વર્ગમાં શોસીયલ ડિસ્ટન્સનું પાલન સાથે વર્ગ ખંડોમાં વિદ્યાર્થીઓને બેસાડવામાં આવી રહ્યાં છે.