શહેરી વિસ્તારની સુવિધાઓ માટે નગરપાલિકાઓ દ્વારા વર્ષે લાખો કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. તેમ છતાં જવાબદાર તંત્ર દ્વારા કેટલીક જગ્યાઓનું ધ્યાન નહીં આપતા શહેરીજનોને મળવી જોઇતી સુવિધા થી વંચિત રહેવાનો વારો આવે છે. ત્યારે શહેરી વિસ્તારના લોકો પાસેથી વિવિધ વેરા વસૂલાત કરવામાં આવે છે તેની સામે સુવિધાઓ પણ આપવી જરૂરી હોય છે.છતાં કેટલીક જગ્યા ઉપર આંખ આડા કાન કરવામાં આવતા હોવાનું જોવા મળે છે.
જાણવા મળેલી વિગતો મુજબ ઝાલોદ ખાતે સીટી ગ્રાઉન્ડ આવેલ છે. જ્યાં આગાઉ નગરના બાળકો આ ગ્રાઉન્ડનો રમતગમત માટે ઉપયોગ કરતા હતા.પરંતુ છેલ્લા કેટલાક સમયથી ઝાલોદ સીટી ગ્રાઉન્ડને તાળા મારી દેવામાં આવતા બંધ પડેલ છે. જ્યારે આ સીટીગ્રાઉન્ડની અંદર ઘાસ ફૂટી નીકળતા તેમજ લોખંડનો ભંગાર મૂકી રાખવામાં આવતા ઝેરી જીવજંતુઓનો વાસ પણ થવાનો ભય સતાવી રહ્યો છે.ત્યારે આ ગ્રાઉન્ડની અંદર ફૂટી નીકળેલ ઘાસ દૂર કરવામાં આવે તેમજ અંદર મૂકવામાં આવેલ લોખંડના ડબલાઓનો પણ નિકાલ કરવામાં આવે તે જરૂરી છે.જોકે હાલ રમતપ્રેમીઓ આ સીટી ગ્રાઉન્ડની અંદર રમવા જવા માટે કોટ કૂદીને જઈ રહ્યા છે.જેના લીધે શારીરિક ઇજાઓ થવાનો સંભવ જણાઈ રહ્યો છે.ત્યારે આ સીટી ગ્રાઉન્ડની સાફ સફાઈ કરવામાં આવે તો નગરના બાળકો ને રમત-ગમતનું મેદાન મળી રહે.તે પ્રત્યે તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવે તેવી ઝાલોદ નગરના રમતવીરોની માંગ ઉઠવા પામેલ હોવાનું જાણવા મળે છે.