નીલ ડોડીયાર @ દાહોદ
દેવગઢબારિયા પાલિકામાં ભાજપે ભગવો લહેરાયો,ભાજપે સત્તા જાળવી રાખી,નગરપાલિકા પ્રમુખ તરીકે દક્ષાબેન નાથાણી તેમજ ઉપપ્રમુખ તરીકે ગૌરવ પંડ્યાની વરણી કરાઈ,
દે.બારીયા.25
દેવગઢબારિયા પાલિકા પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી અટકળોનો અંત આવ્યો. ભાજપે સત્તા જાળવી રાખી ભાજપના પ્રમુખ-ઉપપ્રમુખ બનતા પાલિકામાં ભગવો લહેરાતા પાર્ટી કાર્યકર્તાઓ તેમજ સંગઠનના હોદ્દેદારો માં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
દાહોદ જિલ્લાના દેવગઢબારિયા પાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની અઢી વર્ષની ટર્મ પૂરી થતા છેલ્લા એક માસથી આ પ્રમુખની ચૂંટણીને લઇને અનેક અટકળો ચાલતી હતી. જેનો આજે અંત આવતા દક્ષાબેન નાથાણી પ્રમુખ બનતા ભાજપે સત્તા જાળવી રાખી.ત્યારે પાલિકાના પ્રમુખની અઢી વર્ષની ટર્મ પૂરી થતાં જ નગરમાં પ્રમુખનો તાજ કોના શિરે મુકાશે ? તેને લઈ અનેક અટકળો ચાલી હતી.જેમાં કેટલાય મહિલા સભ્ય દ્વારા પ્રમુખ બનવા એડીચોટીનું જોર લગાવ્યું હતું. ત્યારે ક્યાંક સભ્યોને પણ લોભ લાલચ આપી ઉઠાવી લઈ જવાયા હતા. ત્યારે ચૂંટણીનો સમય નજીક આવતા સ્થાનિક ધારાસભ્ય તેમજ સંગઠનના હોદ્દેદારો દ્વારા પ્રક્રિયા હાથ ધરાશે.અને જેના નામનો મેન્ડેટ આવશે તે પ્રમુખ બનશે તેવું જાહેર કરતાં જ રેસમાં રહેલાં મહિલા સભ્યો અન્ય ઉઠાવેલ સભ્યોને પરત લઇ આવ્યા હતા. ત્યારે સ્થાનિક ધારાસભ્ય બચુભાઈ ખાબડના અધ્યક્ષતાએ મિટિંગ યોજી તમામ સભ્યોને કોમ્યુનિટી હોલ ખાતે લઈ જવાયા હતા. જ્યાં ચૂંટણી પ્રક્રિયામાં ભાજપ પાર્ટી તરફથી દક્ષાબેન નાથાણી પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે ડૉ.ચાર્મી સોનીનું મેંડેટ આવતાં ચાર્મી સોનીએ ઉપપ્રમુખનો હોદ્દો સંભાળવા ના કહેતા પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી.જેમાં દક્ષાબેન નાથાણી પ્રમુખ અને ઉપપ્રમુખ ગૌરવ પંડ્યા વિજેતા થતાં ભાજપે પાલિકામાં સત્તા જાળવી રાખી હતી.
બાવાના બેઉ બગાડ્યા:પૂર્વ પ્રમુખે પુનઃ પ્રમુખ બનવાની લાલચમાં ઉપપ્રમુખ પદ પણ ગુમાવ્યું
દે.બારીયા નગરપાલિકામાં આજરોજ પ્રમુખ -ઉપપ્રમુખ પદની ચૂંટણી યોજાઈ હતી. જેમાં પાર્ટી તરફથી પ્રમુખ પદ માટે દક્ષાબેન નાથાણી તેમજ ઉપપ્રમુખ પદ માટે ડો.ચાર્મી સોનીનું મેન્ડેટ આવ્યો હતો.જેમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ડો.ચાર્મી સોનીએ પાર્ટી જોડે બગાવત કરી પ્રમુખ પદ માટે ફોર્મ ભરતા પાલિકાના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો.ત્યારબાદ કુલ ૨૪ બેઠકો વાળી દે.બારીયા નગરપાલિકામાં ઉપરોક્ત બન્ને પદો માટે વોટિંગ યોજાયું હતું.જેમાં બન્ને પક્ષે 12 12 વોટ પડતા એક તબક્કે રસાકસી થઇ જવા પામી હતી.જોકે બાદમાં નિયમ પ્રમાણે ચિઠ્ઠી ઉછળતા દક્ષાબેનના નામની ચિઠ્ઠી નીકળતા આખરે પ્રમુખ તરીકે દક્ષાબેન નાથાણી જાહેર કરાઈ હતી.અને ઉપપ્રમુખ પદ માટે અક્ષયભાઈ જૈન અને ગૌરવ પંડ્યા વચ્ચે વોટિંગ થતાં ઉપ-પ્રમુખ માટે ગૌરવ પંડ્યા વિજેતા જાહેર થયા હતા. આમ પ્રમુખ બનવાની લાલચમાં ડો.ચાર્મી સોનીને ઉપપ્રમુખપદ ગુમાવવાનો વારો આવ્યો છે.