છેલ્લા કેટલાય દિવસથી દાહોદ શહેર સહીત જિલ્લામાં પડી રહેલી અસહ્ય ગરમીના કારણે જિલ્લાવાસીઓ શેકાઈ જવા પામ્યા હતા.જ્યારે ચોમાસાના આગમનની સાથે એક દિવસ પહેલા પડેલા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. જોકે ગઈકાલે અસહ્ય ગરમી તેમજ વરસાદ પડવાથી ઉભા થયેલા બફારાથી જિલ્લાવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા હતા.ત્યારે ગઈકાલે મધ રાત્રીના ત્રણ વાગ્યાંના અરસામાં તોફાની પવન તેમજ વીજળીના કડાકા ધડાકા સાથે વરસાદ વરસતા શહેરના નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ઉજાગરા વેઠી ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.અને શહેરની ગટરો ઉભરાતા નગરપાલિકાની પ્રિમાનસૂનની પોલ ખુલી જવા પામી હતી.ગઈકાલે દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદમાં 22 મિ.મી દે.બારીયામાં 27 મી.મી, ઝાલોદમાં 11 મી.ધાનપુરમાં 16 મી.મી, સંજેલીમાં 33 મી.મી વરસાદ વરસતા જિલ્લામાં ગઈકાલે 129 મી.મી એટલે કુલ 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.જ્યારે મધરાત્રે ફુંકાયેલા ભારે પવનની વચ્ચે વરસેલા વરસાદથી શહેરના પરેલ વિસ્તારમાં આવેલ સંખ્યાબંધ ઝાડ જમીનદોસ્ત થઈ જતા સમડી જેવા કેટલાક પક્ષીઓ પણ જમીન પર પટકાઈ ઘાયલ થતાં પ્રકૃતિ પ્રેમીઓએ રેસ્ક્યુ કરી માનવતા મહેકાવી હતી.જ્યારે શહેરના યાદગાર નજીક એક દિવાલ પણ ધરાશાયી થઈ જવા પામી હતી.ગાજવીજ તેમજ પ્રચંડ પવન સાથે થયેલા વરસાદના કારણે તોતિંગ વૃક્ષો ધરાશાયી થઈ જતા તેમના નીચે આવેલા મકાનો તેમજ વાહનો પર પડવાના કારણે ભારે નુકસાન થયું છે.તેમજ મધ્ય ગુજરાત વીજ કંપનીના વિવિધ ફીડરની લાઈનોને વ્યાપક નુકસાન થવા પામ્યું છે જેના કારણે દાહોદ થી નિકળતી 66KV લાઈન ના બે (02) લોકેશન પરના ટાવરોને નુકશાન થયેલ હોઈ, 66KV ના ચાર સબ સ્ટેશન (66KV ખરોડ, 66KV ખરેડી, 66KV નવાગામ અને 66KV કઠલા) જેમાં થી નીકળતા કુલ બાવીસ(22) 11KV લાઇનનો વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે. દાહોદના સેવાસદન, કોર્ટ, છાપરી, ગોડી રોડ, મહાવીર નગર, જીઆઈડીસી, વિસ્તારમાં વીજળી ડુલ થઈ ગઈ હતી.જ્યારે દાહોદ શહેર ગ્રામ્ય પંથકમાં રાત્રે દરમિયાનથી અંધારપટ છવાયેલો જોવા મળી રહ્યો છે નુકસાનીના કારણે વીજ પુરવઠો બંધ કરવામાં આવેલી તમામ લાઈનો મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.