સુમિત વણઝારા
ઝાલોદ નગરમાં જાહેરમાં જુગાર રમતા 4 ખેલીઓ ઝડપાયા:77 હજારનો મુદ્દામાલ જપ્ત..
દાહોદ તા.૧૬
દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં જાહેરમાં ખુલ્લી જગ્યામાં ગંજી પત્તા પાના વડે પૈસાથી હારજીતનો જુગાર રમી રહેલ ૪ ઈસમોને પોલીસે ઝડપી પાડી રોકડા રૂપીયા, મોરસાઈકલ તેમજ મોબાઈલ ફોન વિગેરે મળી કુલ રૂા. ૭૭,૦૯૫નો મુદ્દામાલ પોલીસે કબજે કરી ચારેય જણાને જેલના સળીયા પાછળ ધકેલી દીધાંનું જાણવા મળે છે.
ગત તા.૧૫મી મેના રોજ ઝાલોદ પોલીસને મળેલ બાતમીના આધારે ઝાલોદ નગરના બાંસવાડા રોડ ખાતે ખુલ્લી જગ્યામાં જુગાર ધામ પર ઓચિંતી રેડ પાડી હતી. પોલીસની રેડ જાેઈ જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાઈ જવા પામ્યાં હતાં. પોલીસે ગંજી પત્તા પાના વડે પૈસાથી હારજીતનો જુગાર રમી રહેલ રોહિતભાઈ ગવસીંગભાઈ ભાભોર (રહે. ઝાલોદ, ખાંટવાડા), ઈરફાનભાઈ અબ્દુલમજીદ ડોકીલા (રહે. ઝાલોદ, મસ્જીદની પાસે), આરીફભાઈ ગનીભાઈ ડાયા (રહે. કોળીવાડ, ઝાલોદ) અને આરીફભાઈ અયુબભાઈ મતાદાર (રહે. ગીતામંદિર રોડ, ઝાલોદ) નાઓની અટકાયત કરી તેઓની અંગ ઝડતીમાંથી રોકડા રૂપીયા ૧૮,૪૫૦, ૪ મોબાઈલ ફોન કિંમત રૂા. ૧૨,૫૦૦, ૨ મોટરસાઈકલ કિંમત રૂા. ૪૦,૦૦૦ તેમજ દાવ પરથી રોકડા રૂપીયા ૬,૦૫૫ એમ વિગેરે મળી પોલીસે કુલ રૂા. ૭૭,૦૯૫નો મુદ્દામાલ કબજે કરી ઉપરોક્ત ચારેય જુગારીઓ વિરૂધ્ધ ઝાલોદ પોલીસે જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.