Friday, 22/11/2024
Dark Mode

ફતેપુરા તાલુકાના મારગાળા ગ્રામ પંચાયતના સરપંચને નાણાપંચની ગ્રાન્ટમાં 24 લાખ ઉપરાંતના ભ્રષ્ટાચાર મામલે હોદ્દા ઉપરથી દૂર કરવા જિલ્લા વિકાસ અધિકારીના હુકમથી ખળભળાટ

ફતેપુરા તાલુકાના મારગાળા ગ્રામ પંચાયતના સરપંચને નાણાપંચની ગ્રાન્ટમાં 24 લાખ ઉપરાંતના ભ્રષ્ટાચાર મામલે હોદ્દા ઉપરથી દૂર કરવા જિલ્લા વિકાસ અધિકારીના હુકમથી ખળભળાટ

 બાબુ સોલંકી :- સુખસર 

ફતેપુરા તાલુકાના મારગાળા ગ્રામ પંચાયતના સરપંચને હોદ્દા ઉપરથી દૂર કરવા જિલ્લા વિકાસ અધિકારીનો હુકમ.

  ગ્રામ પંચાયત સરપંચ દ્વારા નાણાપંચની ગ્રાન્ટ ના વર્ષ-૨૦૧૭ થી વર્ષ ૨૦૨૦ સુધીમાં રૂપિયા-૨૪,૬૨,૬૮૦/-ભ્રષ્ટાચાર કર્યો હોવાનું બહાર આવ્યું.

મારગાળા સરપંચને ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ ની કલમ ૫૭(૧)ની જોગવાઈ મુજબ સરપંચના હોદ્દા ઉપરથી દૂર કરવા દાહોદ જિલ્લા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા હુકમ કરાયો.

મારગાળા ગ્રામ પંચાયત હસ્તકનો ચાર્જ ઉપસરપંચને સોંપવા હુકમ.

  સુખસર,તા.૨૩

     ફતેપુરા તાલુકાના મારગાળા ગ્રામ પંચાયત એક વર્ષથી વિવાદો વચ્ચે ઘેરાયેલી હતી.જેનો આખરે અંત આવ્યો છે. તેમાં સરપંચ કસૂરવાર જણાતા સરપંચને હોદ્દા ઉપરથી દૂર કરી મારગાળા ગ્રામ પંચાયત હસ્તકનો ચાર્જ ડેપ્યુટી સરપંચને સોપવા દાહોદ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા હુકમ કરાયો હોવાનું જાણવા મળે છે.

  પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના મારગાળા ગ્રામ પંચાયતમાં વર્ષ ૨૦૧૭ થી ભુરસિંગ ભાઈ રામસિંગભાઈ ભાભોર સરપંચ તરીકે કાર્યરત હતા.અને ગત એક વર્ષથી નાણાપંચના નાણાંનો સરપંચ દ્વારા દુરુપયોગ કરવામાં આવતો હોવા બાબતે ડેપ્યુટી સરપંચ દ્વારા સ્થાનિક થી લઈ ગાંધીનગર સુધી રજૂઆતો કરવામાં આવી હતી.અને તેની તપાસ માટે જિલ્લા વિકાસ અધિકારી,જીલ્લા હિસાબી અધિકારી,નાયબ કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ ઝાલોદ,ના.કા.ઈ માર્ગ-મકાન દેવગઢબારિયાની સંયુક્ત ટીમની રચના કરી મારગાળા ગ્રામ પંચાયતની ૧૩ માં તથા ૧૪ માં નાણાપંચના નાણાંની તપાસ કરવામાં આવી હતી.તપાસ ટીમ દ્વારા આમુખ-૫ મુજબ તારીખ ૫/૧૨/૨૦૨૦ ના રોજ મારગાળા ગ્રામ પંચાયતના ભ્રષ્ટાચાર બાબતનો વિગતવાર અહેવાલ વર્ષ ૨૦૧૭-૧૮ થી અને વર્ષ-૨૦૧૯-૨૦ સુધીના ગ્રામ પંચાયતના રોજમેળ,ચેકબુક, ચૂકવવાનાવાઉચર તેમજ ગ્રામ પંચાયતના બેન્ક સ્ટેટમેન્ટ મુજબ ચકાસણી કરતા વ્યક્તિગત ચુકવેલ ચેકો ધ્યાને આવેલ હતા.કુલ ૧૦ ચેકો દ્વારા રૂપિયા-૨૪,૬૨,૬૮૦/-જેટલી માતબર રકમ થવા જાય છે.જોકે આ નાણાનો મોટાભાગે સરપંચ દ્વારા તેના પુત્રના તથા તેના મળતિયા લોકોના નામે ઉપાડી સરકારી નાણાંનો દુરુપયોગ કર્યો હોવાનું બહાર આવવા પામ્યું હતું.તપાસ દરમિયાન સરપંચ ઉપર કરવામાં આવેલા આક્ષેપો સામે કોઈ સચોટ પુરાવા ઊભા કરી શકેલ ન હોય તેમજ સંતોષકારક જવાબ રજુ કરેલ ન હોય ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ ની કલમ ૫૭ ની પેટા કલમ-૧ ની જોગવાઈમાં થયેલ મૂળભૂત જોગવાઈ મુજબ સરપંચ ભુરસિંગભાઈ રામસિંગભાઈ ભાભોર પોતાની ફરજો બજાવવામાં કસૂરવાર હોય સરપંચના હોદ્દા ઉપર ચાલુ રાખવા ન્યાયોચિત ન હોવાથી દાહોદ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ૨૨ એપ્રિલ ૨૦૨૧ ના રોજ કાયદાકીય રીતે મળેલ સત્તા અને અધિકારની રૂઇએ હોદ્દા ઉપરથી દૂર કરવા અને મારગાળા ગ્રામ પંચાયત સરપંચ તરીકેનો ચાર્જ ઉપસરપંચને સુપ્રત કરવા હુકમ કરાયો હોવાનું જાણવા મળે છે.

      ફતેપુરા તાલુકાના મારગાળા ગ્રામ પંચાયત સરપંચ દ્વારા વિકાસ કામોની ગ્રાંટમાં કરેલ ગેરરીતિ બહાર આવતા હોદ્દા ઉપરથી દૂર કરાતા ફતેપુરા તાલુકાના અન્ય કેટલીક ગ્રામ પંચાયતોના સરપંચોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હોવાનું જાણવા મળે છે.

error: Content is protected !!