
બાબુ સોલંકી :- સુખસર
સુખસરમાં રાત્રિના સમયે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓને સારવાર મળી ન રહેતા પડતી મુશ્કેલીઓ.
સીડી ઉપરથી પડી ગયેલા યુવકને સરકારી દવાખાનામાં સારવાર ન મળતાં ખાનગી દવાખાનામાં જવાનો વારો આવ્યો.
બે કલાક સુધી રાહ જોયા બાદ પણ રાત્રે કોઈ ના આવતા કલેકટરને રજૂઆત કરાઈ.
( પ્રતિનિધિ ) સુખસર,તા.05
ફતેપુરા તાલુકાના સુખસરમાં સરકારી દવાખાનામાં રાત્રિના સમયે કોઈ સ્ટાફ હાજર રહેતા ન હોવાથી સારવાર અર્થે આવતા દર્દીઓને વિવિધ સમસ્યાઓ નો સામનો કરવો પડી રહ્યો છે. તેવા જ એક દર્દીને કલાકો સુધી રાહ જોયા બાદ ખાનગી દવાખાનામાં જવાનો વારો આવ્યો હતોે.આબાબતે જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
ફતેપુરા તાલુકાના સુખસરના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં બુધવારની રાત્રિના સમયે ગામનાજ મેહુલભાઈ ગણાસવા સીડી ઉપરથી પડી જતા સારવાર અર્થે સુખસર સરકારી દવાખાને લઇ જવાયા હતા.જયા દવાખાનામાં રાત્રીના સમયે એક પણ કર્મચારી હાજર જોવા મળ્યો ન હતો. ત્યારબાદ કલાકો સુધી રાહ જોયા બાદ પણ કોઈ કર્મચારી કે તબીબ આવ્યા ન હતા.જેથી સારવાર અર્થે ખાનગી દવાખાનામાં જવાનો વારો આવ્યો હતો.તેમજ બુધવારે આ બાબતે મેડિકલ ઓફિસરને રજૂઆત કરતા ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવામાં આવ્યું હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું.જેથી આ બાબતે જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય સુવિધા માટે કરોડો રૂપિયાનો ખર્ચો કરીને દવાખાના ઉભા કર્યા છે.તમામ સુવિધાઓ ઉભી કરાઈ છે.તબીબી સ્ટાફની જગ્યાઓ પણ ભરાય છે. છતાં પણ સુખસર સરકારી દવાખાનામાં રાત્રિના સમયે કોઈ કર્મચારી કે તબીબ હાજર રહેતા ન હોવાથી આશ્ચર્ય સર્જાયું હતું.
બુધવારે રાત્રે સીડી પરથી પડી જતા હું સરકારી દવાખાને આવ્યો હતો પરંતુ ત્યાં કોઈ સ્ટાફ હાજર નહોતો :- મેહુલભાઈ ગણાસવા,(ઇજાગ્રસ્ત દર્દી સ્થાનિક)
બુધવારની રાત્રિના સમયે હું ઘરમાં સીડી ઉપરથી પડી ગયો હતો. જેથી મને હાથમાં ઈજા થઈ હતી.અને લોહી નીકળ્યું હતું.જેથી સારવાર માટે સુખસર સરકારી દવાખાને ગયો હતો. પરંતુ ત્યાં એક પણ કર્મચારી હાજર મળ્યા ન હતા.બે કલાક સુધી રાહ જોયા બાદ પણ કોઇ કર્મચારી આવેલ નહતા.જેથી મને વધારે ઇજા હોવાના કારણે મારે સારવાર માટે ખાનગી દવાખાનામાં જવું પડ્યું હતું.તેમજ ગુરુવારે અમો આ બાબતે રજૂઆત કરવા જતા તબીબ દ્વારા અમારી સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું.જે બાબતે અમોએ કલેકટર સાહેબને રજૂઆત કરી છે.