ફતેપુરા તાલુકામાં ઘાણીખુંટથી ગરાડુ જતા ૮ કિ.મી રસ્તાની ગોકળગાયની ગતિએ ચાલી રહેલી કામગીરીના પગલે ચોમાસામાં વાહન અકસ્માત થવાનો સતાવતો ભય…

Editor Dahod Live
3 Min Read

બાબુ સોલંકી :- દાહોદ 

ફતેપુરા તાલુકામાં ઘાણીખુંટ થી ગરાડુ જતા ૮ કિ.મી રસ્તાની ગોકળગાયની ગતિએ ચાલી રહેલી કામગીર.

રસ્તાની સાઇડમાં ખોદાણ કરવામાં આવ્યુ છે ,તેને પુરાણ કરવાની મહિનાઓ બાદ પણ તસ્દી લેવાતી નથી.

રસ્તાની સાઈડોમાં કરેલ ખોદાણના લીધે ચોમાસામાં વાહન અકસ્માત થવાનો સતાવતો ભય…

( પ્રતિનિધિ ) સુખસર,તા.૯

ફતેપુરા તાલુકામાં ગ્રામ્ય વિસ્તારો તરફ જતા કેટલાક રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળે છે.જેના નવિનીકરણની કામગીરી માટે સરકાર દ્વારા લાખો રૂપિયા ફાળવવામાં પણ આવે છે.પરંતુ કોન્ટ્રાક્ટરો દ્વારા કેટલાક રસ્તાઓની નિયત સમયમાં કામગીરી કરવા ઉદાસીનતા દાખવતા વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો કરી આપવામાં આવતો હોય તેમ જણાય છે. તેવી જ રીતે ઘાણીખુટ થી ગરાડું જતા રસ્તાની હાલત જોવા મળે છે. ત્યારે જે તે રસ્તાઓની નવીનીકરણ કામગીરી કોન્ટ્રાક્ટરો દ્વારા રેગ્યુલર રીતે કરી તેની કામગીરીને પૂર્ણ કરવામાં આવે તે જરૂરી છે.

 

#Paid pramotion

Contact us :- sunrise public school

જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકામા સુખસર પંથકમાં આવેલ ઘાણીખુટ થી નાના-મોટા બોરીદા,કાળીયા,ઘાટાવાડા થઈ ગરાડુ જતા આઠ કિલોમીટર જેટલા માર્ગની નવીનીકરણ કામગીરી માટે સરકાર દ્વારા લાખો રૂપિયા ફાળવવામાં આવ્યા છે.અને આ રસ્તાની નવીનીકરણ તથા પહોળાઈ વધારવાની હોય કોન્ટ્રાક્ટર દ્વારા આ કામગીરી ગત ત્રણેક માસથી શરૂ પણ કરવામાં આવી છે.તેમાં રસ્તાની બન્ને સાઈડોમા આવેલ વૃક્ષો સાફ કરી રસ્તાની બંને સાઇડમા માટી પુરાણ કરવા માટે જે.સી.બી થી ખોદાણ પણ કરવામાં આવ્યું છે. પરંતુ બોરીદામાં મહિના અગાઉ ખોદાણ કરવામાં આવેલ રસ્તાની સાઈડો પુરાણ કરવામાં આવેલ નથી. તેમજ કાળીયા ધાટા વાડા માં હજી કોઇ કામગીરી ચાલુ કરવામાં આવી નથી.જ્યારે બીજી બાજુ ચોમાસુ વરસાદી પાણીના પણ ભણકારા વાગી રહ્યા છે.ત્યારે જો આ રસ્તાની બન્ને સાઈડ પૂર્ણ કરવામાં નહીં આવે તો ચોમાસા દરમિયાન વાહન અકસ્માતના બનાવો બનવાની સંભાવના વધી જવા પામેલ છે.જોકે કોન્ટ્રાક્ટર દ્વારા આ રસ્તાની કામગીરી બે દિવસ ચાલુ રાખી પંદર દિવસ કે મહિના સુધી બંધ રાખવામાં આવે છે. તેમજ હાલ આ રસ્તાની બંને સાઇડ પૂર્ણ કરી દેવામાં આવે તો ચોમાસુ વરસાદ થઇ પણ જાય તો રસ્તાની મજબૂતાઈ પણ રહે સાથે વાહનચાલકોને મુશ્કેલી પણ ઓછી પડે.પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા તે પ્રત્યે ધ્યાન આપવામાં આવતું નથી.અને આ રસ્તાની કામગીરી ગોકળગાયની ગતિએ ચલાવાઈ રહી છે.જે પ્રત્યે લાગતા-વળગતા તંત્ર દ્વારા સત્વરે ધ્યાન આપી ઘાણીખુટ થી ગરાડુ જતા રસ્તાની કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી પંથકની પ્રજામાં માંગ ઉઠવા પામેલ હોવાનું જાણવા મળે છે.

ફોટો÷ ઘાણીખુટ થી ગરાડુ જતાં માર્ગ ઉપર રસ્તાની નવીનીકરણ કામગીરી માટે સાઈડમાં ખોદાણ કરવામાં આવેલ હોવાનું નજરે પડે છે.

Share This Article