સુખસરના બદલે આ ક્રોસિંગ ખાતે બુલેટ-ઇકો કાર વચ્ચે અકસ્માતમાં બે બુલેટ સવાર યુવાનોને ઇજા
સુખસરના યુવાનો સંતરામપુર થી સુખસર તરફ આવતા ઇકો કારની ટક્કર વાગતા માથામાં તથા પગે ગંભીર ઇજા
રિપોર્ટર:બાબુ સોલંકી,સુખસર
સુખસર,તા.3
સુખસર પંથકમાં દિન-પ્રતિદિન વાહન અકસ્માત બનાવો વધતા જઈ રહ્યા છે.જેમાં કેટલાક નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બનતા શારીરિક ઈજાઓના શિકાર બની રહ્યા છે અને કેટલાક બનાવમાં અકસ્માત ગ્રસ્ત મોતને પણ ભેટી રહ્યા છે.જેમાં વધુ એક બનાવ આજરોજ સાડા ત્રણ વાગ્યાના અરસામાં સુખસરના બે બુલેટ સવાર યુવાનોને બલૈયા ક્રોસિંગ પાસે ઇકો કાર સાથે અકસ્માત થતાં એક યુવાનને મોઢા તથા માથાના ભાગે તેમજ બીજા યુવાનને પગે ગંભીર ઇજાઓ પહોંચતા ઝાલોદ ખાનગી દવાખાનામાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલ વિગતો મુજબ સુખસરના વતની જાવેદ ભાઈ નિશારભાઈ બુઢ્ઢા(ઉંમર વર્ષ આશરે 28)ના ઓ શનિવારના રોજ સાંજના સાડા ત્રણેક વાગ્યાના અરસામાં પોતાના કબજાની બુલેટ મોટરસાયકલ નંબર જીજે-20 બીએલ-7171 ઉપર સંતરામપુર તરફ કોઈક કામ અર્થે જઈ પરત સુખસર તરફ આવી રહ્યા હતા. તેવા સમયે સામેથી બલૈયા ક્રોસિંગ પાસે થી પસાર થતાં ઇકો કાર નંબર જીજે-20 એએચ 8631 ના ચાલકે પોતાના કબજાની ગાડીને પુરપાટ અને ગફલત ભરી રીતે હંકારી લાવી બુલેટ મોટરસાયકલને અડફેટમાં લઈ અકસ્માત સર્જતા જાવેદભાઈ બુઢ્ઢા ને માથામાં તથા મોઢા ઉપર ગંભીર ઇજાઓ પહોંચવા પામી હતી.જ્યારે તેમની પાછળ બેઠેલા બુલેટ સવાર ગોવિંદભાઈ કલાભાઈ સંગાડા(ઉંમર વર્ષ આશરે 32)નાઓ પણ અકસ્માત નો ભોગ બનતા ગોવિંદભાઈને પગે ગંભીર ઇજાઓ પહોંચવા પામી હતી. જેથી 108 એમ્બ્યુલન્સને જાણ કરતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ અકસ્માત સ્થળે પહોંચી ગઈ હતી. અને બંને ઇજાગ્રસ્તોને સુખસર સરકારી દવાખાનામાં લાવવામાં આવ્યા હતા.પરંતુ મોઢા અને માથા તેમજ પગ ઉપર ગંભીર ઈજા હોય તાત્કાલિક આ બંને ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા ઝાલોદ ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.ઇકો કાર સુખસર પોલીસે કબજે કરી છે.જ્યારે બંને ઇજાગ્રસ્તો સારવાર હેઠળ હોવાનું જાણવા મળે છે.સુખસર પોલીસે આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
