બાબુ સોલંકી :- સુખસર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત મિશન યોજના સુખસરમાં ફારસરૂપ સાબિત થઈ..ફતેપુરા તાલુકાના સુખસર બસ સ્ટેશન વિસ્તારમાં ગટરના રેલાતા ગંદા પાણીથી રાહદારીઓ ત્રાહિમામ.
ગટરના રેલાતા પાણીના લીધે હાઈવે માર્ગ ઉપર ભુવો પડી જતા અકસ્માતોનો ભોગ બનતા વાહન ચાલકો.
સુખસર બજારમાં ઉભરાતી ગટરો,ગંદા પાણી,તેમજ સાફ-સફાઈ મુદ્દે સ્થાનિક વહીવટી તંત્રનો પનો ટૂંકો પડ્યો..
પંચાયતની નિષ્કાળજીના પગલે ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર નગરજનો
સુખસર,તા.11
ફતેપુરા તાલુકાના સુખસરના પ્રવેશ દ્વાર પાસેજ સુખસરના સ્થાનિકોના ઘર વપરાશના પાણીની ગટર લાઈન તૂટી જતા મહાદેવજી મંદિર પાસેથી બસ સ્ટેશન વિસ્તારમાં કાદવ,કીચડ અને પાણી રેલાતા હાઇવે માર્ગ ઉપર ભૂવો પડી જતા રાહદારીઓ તથા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. અને ટુ વ્હીલર વાહન ચાલકો ને અકસ્માત પણ નડી રહ્યા છે ત્યારે ગટરના રેલાતાં પાણી બંધ થાય તેમજ હાઇવે માર્ગ ઉપર પડેલ ભુવાની લાગતા-વળગતાતંત્રો દ્વારા તાત્કાલિક મરામત કામગીરી કરવામાં આવે તેવી સ્થાનિકો સહિત રાહદારીઓ અને વાહન ચાલકોની માંગ ઉઠવા પામેલ હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલ વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસરના મુખ્ય પ્રવેશ દ્વાર ઉપર જ સુખસર ગામના સ્થાનિકોના ઘર વપરાશના ગંદા પાણીની ગટર લાઈનના પાણી રેલાઈ રહ્યા છે.જેના લીધે મહાદેવજી મંદિર પાસેથી લઈ સુખસર બસ સ્ટેશન થી ખારી નદીના પુલ પાસે કાદવ કીચડનું સામ્રાજ્ય સ્થપાયેલું નજરે પડે છે.જેના લીધે સ્થાનિક જગ્યાએ વેપાર ધંધો કરતા વેપારીઓ,વેપાર અર્થે આવતા ગ્રાહકો, રાહદારીઓ તથા વાહનચાલકોને મોટી મુશ્કેલી ઊભી થવા પામેલ છે.તેમાં મુખ્ય બાબત તો એ છે કે,સુખસર બસ સ્ટેશન વિસ્તારમાં રાત દિવસ હજારો વાહનોની અવર-જવર રહે છે.ત્યારે આ મુખ્ય માર્ગ ઉપર ભૂવો પડી જતા તેમાં પાણી ભરાઈ રહે છે.જેના લીધે હાઇવે માર્ગ ઉપર ટુવ્હીલર વાહનો સ્લીપ થતા આ કાદવ કિચડમાં પડે છે.જેના લીધે કપડા તો બગડે જ છે. સાથે શારીરિક ઈજાઓના શિકાર પણ બની રહ્યા છે.હાઇવે માર્ગની બરાબર વચ્ચોવચ ભૂવો પડી ગયેલ છે.અને તેમાં કોઈ અજાણ્યો પેસેન્જર વાહન ચાલક પોતાના વાહનને હાઇવે માર્ગ સમજીને પસાર થવા જાય અને તેવા સમયે આ વાહન આ ભૂવામાં ખાબકેતો અને તેવા જ સમયે આગળ પાછળથી બીજું વાહન આવી જાય તો મોટી જાનહાની થઈ શકે તેવા પણ સંકેત જણાઈ રહ્યા છે.
અત્રે નોંધનીય બાબત એ પણ છે કે,સુખસરના મહાદેવજી મંદિર થી લઈ બસ સ્ટેશન વિસ્તાર અને ખારી નદીના પુલ સુધી સુખસર ગામના ઘર વપરાશના ગંદા પાણી રેલાઈ રહ્યા હોવાનું જોવા અને જાણવા મળે છે. જેના લીધે સ્થાનિક વેપારીઓ તથા સ્થાનિક રહીશોને માખી મચ્છરોનો ઉપદ્રવ પણ વધી જવા પામેલ છે.અને રોગચાળો ફાટી નીકળે તેવો ભય પણ સતાવી રહ્યો છે.ત્યારે સુખસર બસ સ્ટેશન વિસ્તારમાં ગટરના રેલાતા ગંદા પાણીનો નિકાલ તાત્કાલિક થાય તે બાબતે લાગતા વળગતા વહીવટી તંત્રો તાત્કાલિક ધ્યાન આપે તેમજ બસ સ્ટેશન પાસે પડેલ ભુવાને તાત્કાલિક રીપેરીંગ કામ કરી સુધારવામાં આવે તેવી સ્થાનિકો,રાહદારીઓ તથા વાહન ચાલકોની ખાસ માંગ ઉઠવા પામેલ હોવાનું જાણવા મળે છે.