જીગ્નેશ બારીયા/રાજેશ વસાવે :- દાહોદ
નશાનું વાવેતર…લીમખેડા તાલુકાના કૂણધા ગામેથી SOG પોલીસે ગાંજાનું ખેતર ઝડપી પાડ્યું, નવ લાખના મુદ્દામાલ સાથે એકની ધરપકડ
એક જ અઠવાડિયામાં એસઓજી પોલીસે સપાટો બોલાવી બે જુદી જુદી જગ્યાએથી ગાંજા ના ખેતરો ઝડપી પાડતા નશાનો વેપલો કરનાર તત્વોમાં ફફડાટ
નશાનો વેપાર કરી યુવાધનને નશાની ગર્તામાં ધકેલનાર તત્વો સામે પોલીસની લાલ આંખ
દાહોદ તા.૨૯
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના કુણધા ગામેથી દાહોદ એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમીના આધારે એક ખેતરમાં ઉગાડેલ લીલા ગાંજાના છોડ નંગ.૫૪૦ કિંતમ રૂા.૯,૪૦,૦૦૦ના જથ્થા સાથે ખેતર માલિકની પોલીસે અટક કરી છે. અગાઉ સીંગવડ તાલુકાના હાંડી ગામેથી એક સાથે ત્રણ ખેતરોમાંથી રૂા. પોણા ત્રણ કરોડના ખેતરમાંથી ગાંજાના છોડ સાથે પણ એકને પોલીસે ઝડપી પાડ્યો હતો ત્યારે દાહોદ શહેર સહિત જિલ્લામાં ગાંજાનું સેવન કરતાં યુવાધન સહિત ટીનએજના વાલીઓ માટે આ બનાવો લાલબત્તી સમાન બની રહેવા પામ્યા છે.
થોડા દિવસો અગાઉ દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના હાંડી ગામેથી ત્રણ ઈસમોના ત્રણ અલગ અલગ ખેતરોમાં એસ.ઓ.જી. અને એલ.સી.બી. પોલીસની સંયુક્ત ટીમે રૂા. ૨,૭૪,૫૪,૦૦૦ના કુલ ૨૩૧૮ ગાંજાના છોડ સાથે એકને ઝડપી પાડ્યો હતો જ્યારે બે જણા નાસી જવામાં સફળ રહ્યાં હતાં. આ રેડ બાદ ગતરોજ ફરી સીંગવડ નજીક આવેલ લીમખેડા તાલુકાના કુણધા ગામે એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમીના આધારે દાહોદ જિલ્લા પોલીસ વડા હિતેશ જાેયષના માર્ગદર્શન હેઠળ ટીમે કુણધા ગામે સુથાર ફળિયામાં રહેતાં છત્રસિંહભાઈ રામાભાઈ ચૌહાણના ખેતરમાં ઓચિંતી તપાસ હાથ ધરતાં ખેતરમાં ઉગાડેલ લીલા ગાંજાના છોડ નંગ. ૫૪૦ વજન ૯૪ કિલો ગ્રામ જેની કુલ કિંમત રૂા. ૯,૪૦,૦૦૦ના ગાંજાના છોડના જથ્થા સાથે છત્રસિંહભાઈની પોલીસે અટક કરી હતી.
દાહોદ શહેર સહિત જિલ્લામાં હાલ ગાંજાનું સેવન કરતાં લોકો બેફામ બની રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે. દાહોદ જિલ્લામાં આ ગાંજાના વાવેતર કરી મધ્યપ્રદેશ અને રાજસ્થાનના જિલ્લામાં પણ સપ્લાય કરતાં હોવાની ચર્ચાઓએ ભારે જાેર પકડ્યું બીજી તરફ ખાસ કરીને યુવાધન અને ટીનએજ જે ૧૫ થી લઈને ૨૫ વર્ષના વયના બાળકો દારૂના નશાથી વળીને આ ગાંજાના સેવનના લતના રવાડે ચઢી ગયાં છે. ગાંજાનું સેવન કરતા ંબાળકોમાં સુખી સમ્પન્ન ઘરના બાળકોનો પણ સમાવેશ થાય છે. ગાંજાના સેવનના લતે ચઢેલ યુવાનો અને બાળકોના વાલીઓએ ખાસ ચેતી જવાની જરૂર છે. પોતાના બાળકો પર ખાસ ધ્યાન આપવાની હાલના સમયની માંગ છે. દાહોદ જિલ્લામાં હાલ ગાંજાની ખેતી ફુલીફાગી રહી છે ત્યારે દાહોદ જિલ્લા પોલીસ તંત્ર પણ આ મામલ ગંભીરતા દાખવી રહી છે અને ગાંજાની ખેતી કરી રહેલા તત્વો પર બાજ નજર રાખી કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.
દાહોદ જિલ્લામાં ગાંજાે ખુલ્લેઆમ વેચાય છે અને પીવાય છે. જાણવા મળ્યાં અનુસાર, ગાંજાે દાહોદ જિલ્લામાં ૧૫ થી ૩૦ હજારની કિંમતમાં વેચાય છે. દાહોદમાં ખાસ એવા ઠેકાણો પણ છે જ્યાં ગાંજાે પીવા ગંજેડીઓ ભેગા થતાં હોય છે અને ગાંજાે પીવા માટે મહેફીલો પણ જામે છે માટે ખાસ કરીને આવી જગ્યાઓ અને સ્થળોએ પોલીસે બાજ નજર રાખવી પણ અતિઆવશ્યક બની રહ્યું છે.
—————————————
