
ઝાલોદ તાલુકાના માછલાળા ડેમ ખાતે પાણીમાં ડૂબી ગયેલા દસમા ધોરણના વિદ્યાર્થીની શોધખોળ માટે વડોદરા એનડીઆરએફ ની ટીમ કામે લાગી.
એન ડી આર એફ ની ટીમે ડીપ ડાઈવ સેટ , અંડર વોટર સર્ચિંગ કેમેરા સહિતના સંસાધનની મદદ લઈ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
દાહોદ તા.૨૪
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં આવેલ માછણનાળા ડેમ ખાતે એક ૧૫ વર્ષીય યુવક અકસ્માતે ડુબી જતાં આ યુવક ચોવીસ કલાક વિતી ગયાં બાદ પણ ડેમમાં તેની કોઈ ભાળ ન મળતાં પરિવારજનો સહિત ગ્રામજનોમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો છે. યુવકને શોધવા માટે એન.ડી.આર.એફ. ની ટીમ સહિત સ્થાનીક તરવૈયાઓ સતત પ્રયાસો કરી રહ્યાં છે.
ગતરોજ સવારના ૧૧ વાગ્યાના આસપાસ ઝાલોદ તાલુકાના વગેલા ગામે રહેતાં ૧૫ વર્ષીય યશ નામક યુવક ઝાલોદ તાલુકામાં આવેલ માછણનાળા ડેમમાં ડુબી જતાં ઘટનાને પગલે ડેમ ખાતે પરિવારજનો તેમજ ગ્રામજનો ઉમટી પડ્યાં હતાં. પ્રથમ સ્થાનીક તરવૈયાઓ દ્વારા યુવકની ડેમમાં શોખખોળ હાથ ધરી હતી પરંતુ યુવકનો કોઈ પત્તો ન લાગતાં આ મામલે પરિવારજનોએ સ્થાનીક પોલીસને જાણ કરી હતી. સ્થાનીક પોલીસ મામલતદારની ટીમ સાથે ડેમ ખાતે પહોંચી હતી. ઘટનાને પગલે સ્થાનીક ફાયર ફાઈટરની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને કલાકો સુધીના ભારે જહેમત બાદ પણ યુવકનો કોઈ પત્તો ન લાગતાં આખરે પોલીસ તેમજ સ્થાનીક વહીવટી તંત્રને વડોદરાની એન.ડી.આર.એફ.ની ટીમને બોલાવવાની ફરજ પડી હતી ત્યારે એન.ડી.આર.એફ.ની ટીમ દ્વારા પણ ડેમમાં ભારે શોધખોળ હાથ ધરી તેમ છતાંય યુવકનો હાલ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. ઘટનાને પગલે પરિવારજનોમાં ચિંતાના વાદળો છવાઈ ગયાં છે. હાલ એન.ડી.આર.એફ. વિગેરેની ટીમ દ્વારા સતત ડેમમાં યુવકની શોધખોળ હાથ ધરી રહી છે.