
બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા: યુવાનની હત્યામાં સંડોવાયેલા આરોપીઓની અટક નહીં કરાતા સુખસર પોલીસ સ્ટેશન પટાંગણમાં અચોક્કસ મુદત માટે મૃતકના પરિવારજનો દ્વારા ઉપવાસ આંદોલન ઉપર બેસવાની ચીમકી.
સુખસરના 12 જેટલા કહેવાતા આરોપીઓએ સુખસરના જ બે યુવાનોને ગંભીર માર મારતા એક યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતુ.
ઇજાગ્રસ્ત યુવાને આરોપીઓના જણાવેલ પુરાતા નામો ફતેપુરા પોલીસે એફ.આઇ.આર માં દાખલ નહીં કરતા તથા પોલીસ દ્વારા યોગ્ય દિશામાં તપાસ કરવામાં નહીં આવતી હોવાનો મૃતક યુવાનની માતાનો આક્ષેપ.
સુખસર,તા.17
ફતેપુરા તાલુકાના સુખસર ખાતે રહેતા બે યુવાનોને સુખસર નાજ યુવાનો દ્વારા મારામારી કરતા એક યુવાનને હાથે,પગે તથા માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા ઝાલોદ ખાનગી દવાખાનામાં સારવાર દરમિયાન મોત
નીપજવા પામ્યું હતું.જ્યારે એક યુવાનને હાથે તથા પગે ગંભીર ઇજા ઓ પહોંચતા હાલ દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યો છે. અને આ ઇજાગ્રસ્ત યુવાને મારામારીમાં નજરે જોયેલા અને સંડોવાયેલા આરોપીઓના ફતેપુરા પોલીસને નામો આપવા છતાં પૂરતા નામો એફ.આઇ.આર માં દાખલ નહીં કરી યોગ્ય દિશામાં તપાસ નહીં કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે મૃતકના પરિવારજનો ઉપવાસ આંદોલન ઉપર ઉતરનાર હોવાનું જાણવા મળે છે.
ફતેપુરા તાલુકાના બલૈયા ખાતે ગત તારીખ 10 નવેમ્બર-2022 ના રોજ સુખસરના સંગાડા ફળિયા ખાતે રહેતા સંગાડા ટીનાભાઇ રામાભાઇ તથા વળવાઈ પૈયેસ ઉર્ફે કાળુભાઈ મુકેશભાઈનાઓ ફતેપુરા થી પરત મોટર સાયકલ ઉપર સુખસર આવી રહ્યા હતા.તેવા સમયે બે ફોર
વ્હીલર ગાડીમાં આવેલા બાર જેટલા ઈસમોએ આ બંને યુવાનો ઉપર બલૈયા ખાતે માર્ગ ઉપર હીંચકારો હુમલો કરી જીવલેણ ઇજાઓ પહોંચાડી હતી. જેમાં ટીનાભાઇ સંગાડાને હાથે,પગે તથા માથામાં ગંભીર ઇજાઓ પહોંચવા પામી હતી.જ્યારે પૈયેસ ઉર્ફે કાળું વળવાઈને હાથે પગે ઇજાઓ થઈ હતી.જેમાં ગંભીર ઇજાગ્રસ્ત ટીનાભાઇ સંગાડાનું સારવાર દરમિયાન ઝાલોદ ખાનગી દવાખાનામાં નીપજ્યું હતું. ત્યારે કરવામાં આવેલ મારામારીમાં સંડોવાયેલા આરોપીઓને નજરે જોનાર પૈયેસ ઉર્ફે કાળુભાઈ વળવાઈ દ્વારા જણાવેલ હકીકત મુજબ 11/11/2022 ના રોજફતેપુરા પોલીસે ઉચ્ચ અધિકારીઓની રૂબરૂમાં એફ.આઇ.આર દાખલ કરી હતી.
જ્યારે મૃતકના સ્વજનો દ્વારા કરવામાં આવતા આક્ષેપ મુજબ ટીનાભાઇ સંગાડાને ખાનગી દવાખાનામાં સારવાર હેઠળ દાખલ કરેલા હતા.જેની તાત્કાલિક જાણ વિજયભાઈ નિરસિંગભાઈ સંગાડા નાઓએ ફતેપુરા પોલીસ સ્ટેશનમાં કરેલ હોવા છતાં પોલીસે ફરિયાદ નહી લઈ ટીનાભાઇ સંગાડાને જે દવાખાનામાં દાખલ કરેલ ત્યાં પણ પોલીસ ચોવીસ કલાક સુધી પહોંચેલ નહીં હોવાના આક્ષેપ સાથે જણાવ્યું છે કે,જ્યારે બીજા દિવસે ઇજાગ્રસ્ત પૈયેસ ઉર્ફે કાળુભાઈ વળવાઈ દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલ છે ત્યાં જઈ ફતેપુરા પોલીસે ફરિયાદ લીધેલ હતી.અને ફરિયાદીના જણાવ્યા મુજબ આરોપીઓના જણાવ્યા મુજબ નામો પોલીસે નહી લખી આરોપીઓને છાવરવાની કોશિશ કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ કરી રહ્યા છે.તેમજ બનાવના સાત દિવસ વિતવા છતાં પોલીસ દ્વારા આરોપીઓની અટક કરવામાં આવેલ નહીં હોવાનું તેમજ આરોપીઓ રાજકીય વગ ધરાવતા હોઈ ફતેપુરા પોલીસ દ્વારા ભીનું સંકેલવાની કોશિશ કરવામાં આવી રહી હોવાની કેફિયત સાથે તારીખ 15-11-2022 ના રોજ દાહોદ જિલ્લા ડી.એસ.પી સમક્ષ સી.બી.આઇ દ્વારા તપાસ કરાવા રજૂઆત કરવામાં આવેલ છે.છતાં આજદિન સુધી અન્ય એજન્સીને તપાસ સોંપવામાં આવેલ નહિ હોવાનું અને આરોપીઓની અટક કરવામાં આવેલ નહીં હોવાનો રજૂઆતમા ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
મૃતક યુવાનના પરિવાર જેનો દ્વારા પોલીસ સામે પ્રશ્નો ઊભા કરી જણાવ્યું છે કે,ફરિયાદીના લખાવ્યા મુજબ આરોપીઓના નામ એફ.આઇ.આર માં દાખલ નહીં કર્યા હોવાનું તેમજ મેજિસ્ટ્રેટ સાહેબ રૂબરૂ નિવેદન લેવામાં આવેલ નહીં હોવા બાબત સહિત આરોપીઓને અટક કરવામાં નહીં આવે તો મૃતક યુવાનના પરિવારના કુટુંબીજનોને જાનનુ જોખમ હોવાનું જણાતુ હોવા બાબતે રજૂઆત કરી 18 નવેમ્બર- 2022 ના રોજ સવારના 11 કલાકથી અચોક્કસ મુદત માટે સુખસર પોલીસ સ્ટેશન પટાંગણમાં મૃતક યુવાનના પરિવારના 40 થી 50 જેટલા પરિવારજનો ઉપવાસ આંદોલન ઉપર ઉતરનાર હોવાની રજૂઆત દાહોદ જિલ્લા ડી.એસ.પી,ફતેપુરા તાલુકા મામલતદાર,પોલીસ સબ ઇન્સ્પેક્ટર ફતેપુરા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સુખસર સમક્ષ લેખિત જાણ કરી હોવાનું જાણવા મળે છે.