બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકામાં સરકાર દ્વારા ફળવાયેલ ઉચ્ચતર પગાર તફાવતના નાણા સત્વરે ચૂકવાય તેવી પ્રાથમિક શાળા શિક્ષક આલમમાં ઊઠેલી માંગ.
ફતેપુરા તાલુકાની સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકો દ્વારા એક વર્ષથી ઉચ્ચતર પગારના બિલો બનાવી તાલુકા પંચાયત કચેરીમાં જમા કરાવેલ છે.
સરકાર દ્વારા બે માસથી તાલુકા પંચાયતના હવાલે નાણા આપવા છતાં તાલુકાના જવાબદારો દ્વારા હોતા હૈ નીતિ કેમ?
સુખસર,તા.5
ફતેપુરા તાલુકામાં અવાર-નવાર તાલુકા કક્ષાના જે-તે શાખાના જવાબદારો દ્વારા પોતાને લગતી કામગીરી સમય મર્યાદામાં કરવાના બદલે હોતા હૈ નીતિ અપનાવી મનસ્વી વહીવટ ચલાવતો હોવાની ફરિયાદો ઉઠે છે.જેમાં હાલ ફતેપુરા તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોના સરકાર દ્વારા ઉચ્ચતર પગારના તફાવતના નાણા બે માસથી તાલુકા કક્ષાએ પહોંચ્યા હોવા છતાં આ નાણાં શિક્ષકો સુધી નહીં પહોંચતા શિક્ષક આલમમાં ચર્ચાનો વિષય બન્યો હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોને 9-20-31 ના ઉચ્ચતર પગારના તફાવતના નાણાં છેલ્લા એક વર્ષ થી ચૂકવવામાં નહીં આવતા શિક્ષકોમાં ગણગણાટ થઈ રહ્યો છે.જોકે સરકાર દ્વારા ફતેપુરા તાલુકા પંચાયત કચેરીમાં બે માસ અગાઉ આ નાણાં મોકલી આપવામાં આવેલ છે.પરંતુ તાલુકા કક્ષાએથી આ નાણાની શિક્ષકોને ચુકવણી કરવામાં નહીં આવતા શિક્ષકો ચિંતામાં મુકાયેલા હોવાનું જાણવા મળે છે.તેમજ ગત એક વર્ષથી કોને કેટલા નાણા મળવા પાત્ર છે તેના બિલો પણ બનાવીને તાલુકા પંચાયત કચેરીએ જમા કરવામાં આવેલ હોવાનું શિક્ષકો જણાવી રહ્યા છે.અને નાણા આવ્યાના બે માસ થવા છતાં જે-તે શિક્ષકોને નાણાંની ચુકવણી કરવામાં નહીં આવતી હોવાનું પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ ફતેપુરા દ્વારા જાણવા મળે છે.તેમજ ઉચ્ચતર પગાર તફાવતના નાણાં જે-તે શિક્ષકોને સત્વરે ચૂકવી આપવામાં આવે તેવી પણ તાલુકાના પ્રાથમિક શિક્ષકોમાં માંગ ઉઠવા પામેલ હોવાનું જાણવા મળે છે.
