
બાબુ સોલંકી, સુખસર
ફતેપુરા તાલુકાના હડમતમાં મોટરસાયકલ અકસ્માતમાં બે યુવાનો પૈકી એકનું મોત.
રાજસ્થાનના ગાંગડતલાઈ તાલુકાના બે યુવાનો મોટરસાઈકલ ઉપર ગાંધીનગર ખાતે મજુરી કામે જઈ રહ્યા હતા.
મૃતક યુવાનની લાશને સુખસર સરકારી દવાખાના પી.એમ માટે મોકલી ઇજાગ્રસ્ત યુવાનને ઝાલોદ ખાનગી દવાખાનામાં રીફર કરાયો.
સુખસર,તા.09
ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં વાહન અકસ્માતોનો સિલસિલો યથાવત્ રહેવા પામ્યો છે. તેમાં આજ રોજ રાજસ્થાનના ગાંગડ તલાઈ તાલુકાના બે યુવાનો મોટરસાયકલ ઉપર અમદાવાદ- ગાંધીનગર બાજુ મજુરી કામે જઈ રહ્યા હતા.તેવા સમયે સાંજના ચાર થી પાંચ વાગ્યાના અરસામાં ઝાલોદ થી સંતરામપુર જતા હાઈવે માર્ગ ઉપર હડમતના ગળી ફળિયા થી પસાર થતા સમયે મોટરસાયકલ સવારે પોતાના કબજાની મોટરસાઇકલ પરથી કાબુ ગુમાવી રસ્તાની સાઈડમાં આવેલ શાળાના બોર્ડ સાથે અથડાતા મોટર સાયકલ પાછળ બેઠેલા એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજવા પામેલ છે જ્યારે મોટરસાયકલ ચાલકને માથામાં ગંભીર ઇજાઓ થતાં ઝાલોદ ખાનગી દવાખાનામાં રીફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના બે યુવાનો અમદાવાદ-ગાંધીનગર બાજુ મોટરસાયકલ ઉપર મજુરી કામે જવા નીકળ્યા હતા.તેમાં ગાંગડતલાઈ તાલુકાના રાજુભાઈ મગનભાઈ વસૈયા ઉમર વર્ષ 25 રહે.બજાર સલોપાટ ગામ તથા દિનેશભાઈ હકરાભાઇ ગરાસીયા ઉંમર વર્ષ 23 રહે. સોડલા દુધા ગામનાઓ આજરોજ સાંજના ચાર થી પાંચ વાગ્યાના અરસામાં મોટરસાયકલ ઉપર ઝાલોદ થી સંતરામપુર તરફ જતા હાઇવે માર્ગ ઉપરથી પસાર થઇ રહ્યા હતા.તેવા સમયે મોટરસાયકલ ચાલક રાજુભાઈ વસૈયાએ પોતાના કબજાની મોટરસાયકલ ઉપરથી કાબૂ ગુમાવતા ફતેપુરા તાલુકાના હડમત ગળી ફળિયા ખાતે આવેલ પ્રાથમિક શાળાની સામે હાઈવે રસ્તાની સાઇડમાં લગાવવામાં આવેલ શાળાના બોર્ડ સાથે મોટરસાયકલ અથડાતા પાછળ બેઠેલા દિનેશભાઈ હકરાભાઇ ગરાસીયાનાઓ મોટરસાયકલ ઉપરથી ફંગોળાઇ રસ્તા ઉપર પડતા માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજવા પામ્યુ હોવાનું જાણવા મળે છે.જ્યારે મોટરસાયકલ ચાલક રાજુ ભાઈ વસૈયાને માથામાં ઇજા પહોંચતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા સરકારી દવાખાનામાં લાવી પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા ઝાલોદ ખાતે ખાનગી દવાખાનામાં રીફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
મૃતક દિનેશભાઈ ગરાસીયાની લાશ ને સુખસર સરકારી દવાખાનામાં પી.એમ અર્થે લાવવામાં આવી હોવાનું જાણવા મળે છે. અને સુખસર પોલીસે અકસ્માત મોત અન્વયે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.