
Kજીગ્નેશ બારીયા દાહોદ
દાહોદના ધાનપુર તાલુકામાંથી કોરોના મૃતકની સહાય માટે એક પણ ફોર્મ ન ભરાયુ,6 તાલુકાઓમાંથી પણ જૂજ અરજીઓ આવતા આશ્ચર્ય
જિલ્લામાં અત્યાર સુધી 231 ફોર્મ રજૂ થયા: સમિતિ નક્કી કરશે કે સહાય મળશે કે નહી
દાહોદ તા.06
દાહોદ જિલ્લામાં કોરોનાના ત્રણ કેસ નોંધાતા ફરીથી ભય ફેલાયો છે.બીજી તરફ બીજી લહેરમાં કોરોનાથી મૃત્યુ પામનાર મૃતકોની સહાય માટેના ફોર્મ ભરવાની કામગીરી હાલ ચાલી રહી છે.ત્યારે હાલ સુધીમાં જિલ્લામાં કુલ 231 ફોર્મ ભરાયા હોવાની સત્તાવાર જાણકારી મળી છે.આ ફોર્મ સંબંધિત સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવશે અને સહાય મળવા પાત્ર છે કે નહી તે સમિતિ નક્કી કરશે તેમ જાણવા મળ્યુ છે.ધાનપુર તાલુકામાંથી એક પણ ફોર્મ આવ્યુ નથીી ત્યારે અન્ય 6 તાલુકાઓમાંથી પણ આંગળીના વેઢે ગણાય તેટલા જ ફોર્મ ભરાઇને આવ્યા હોવાની આશ્ચર્યજનક જાણકારી મળી છે.
સરકારી આંકડા પ્રમાણે દાહોદ જિલ્લામાં કોરોનાના 7146 દર્દી નોંધાઇ ચુક્યા છે અને તેમાંથી 6804 દર્દી કોરોનાને હરાવી સ્વસ્થ થઇ ચુક્યા હતા.કુલ મૃત્યુ 339 નોંધાયા છે પરંતુ તેમાંથી તંત્રના આંકડા પ્રમાણે 7 વ્યક્તિ જ કોરોનાથી અને બાકીના 332 દર્દી કોરોના તેમજ કોરોના સહિતની અન્ય બીમારીઓને કારણે મૃત્યુ પામ્યા હોવાની નોંધ થઇ છે.જિલ્લામાં અત્યાર સુધીમાં 8,04,712 વ્યક્તિઓના કોરોના ટેસ્ટ થઇ ચુક્યા છે અને તેમાંથી 7,92,214 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
બીજી તરફ ગુજરાત સરકારે કોરોનાથી મૃત્યુ પામનારને 50,000 સહાય આપવાની જાહેરાત કરી છે.તે પ્રમાણે દાહોદ જિલ્લામાં કલેક્ટર કચેરીના ડિઝાસ્ટર વિભાગમાં આવા ફોર્મ સ્વીકારવાની કામગીરી ચાલી રહી છે.આ વિભાગમાંથી પ્રાપ્ત જાણકારી પ્રમાણે કોરોના સહાય માટે હાલ સુધીમાં કુલ 231 ફોર્મ ભરાઇને રજૂ થઇ ચુક્યા છે.જેમાં સૈાથી વધુ દાહોદ તાલુકામાં 95,ઝાલોદ તાલુકામાંથી 44,દેવગઢ બારીયા તાલુકામાંથી 24,ફતેપુરા તાલુકામાંથી 10,લીમખેડા તાલુકામાંથી 9 અને સીંગવડ તેમજ સંજેલી તાલુકામાંથી 2-2 ફોર્મ ભરવામાં આવ્યા છે.
જો કે ધાનપુર તાલુકામાંથી કોરોના સહાય માટે એક પણ ફોર્મ રજૂ થયુ નથી જે આશ્ટર્યની બાબત છે.ઉપરાંત ગરબાડા,લીમખેડા,ફતેપુરા,સંજેલી,સીંગવડ તેમજ સંજેલી તાલુકામાંથી પણ જૂજ ફોર્મ રજૂ કરવામાં આવ્યા છે.