રાજેશ વસાવે, દાહોદ
દાહોદમાં ગ્રાહકોને બૂમો પાડી બોલાવવા બાબતે ચાર જેટલા ઈસમોએ બે વ્યક્તિઓને લાકડીઓ વડે ફટકાર્યા..
દાહોદ તા.૦૮
દાહોદ શહેરમાં વેપાર કરતાં સમયે ગ્રાહકોને બુમો પાડી ઈશારો કરી બોલાવવા મામલે થયેલ ઝઘડામાં ચાર જેટલા ઈસમોએ બે વ્યક્તિઓને લાકડી વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.
ગત તા.૬ જુલાઈના રોજ દાહોદ શહેરના ગોદીરોડ ખાતે રહેતાં ઈરફાન અબ્દુલરઝાક વાઢેલ દાહોદ શહેરમાં આવેલ મુસાફર ખાતા વિસ્તાર ખાતે પોતાનો ધંધો રોજગાર કરતાં હતા અને તે સમયે ગોદીરોડ વિસ્તાર ખાતે રહેતાં જુનેદ ઈસાક પાતલીયા, તલહા ઈસાક પાતલીયા, યુસુફ ઈસાક પાતલીયા અને હારૂન હુસેન મદારીને કહેલ કે, તમો અમારા ગ્રાહકોને તમારી દુકાને કેમ બોલાવવા માટે બુમો પાડી ઈશારો કરો છો, તેમ કહેતાં ઉપરોક્ત ચારેય ઈસમો એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં અને પોતાની સાથે લાકડીઓ લઈ દોડી આવી ઈરફાનભાઈ અને ઈમરાનભાઈને લાકડી વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાખવાની ધમકી આપી ભારે ધિંગાણું મચાવતાં આ સંબંધે ઈજાગ્રસ્ત ઈરફાનભાઈ અબ્દુલરઝાક વાઢેલે દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
