રાજેશ વસાવે, દાહોદ
દાહોદમાં વરસાદી ઝાપટું પડતા વીજળી ડૂલ:MGVCL ની પોલ ખુલી..
MGVCL ના જવાબદાર કોઈ જવાબ ન આપતાં લોકોમાં આક્રોશ..
દાહોદ તા.૨૬
ગતરોજ દાહોદ શહેરમાં વરસાદના બીજા ઝાપટામાં શહેરના ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો જેમાં લક્ષ્મીનગર, પ્રસારણ નગર, ગારખાયા, રળીયાતી રાત્રીના સમયે કલાકો સુધી બંધ રહેતાં વિસ્તારના લોકોનું ટોળુ દાહોદની એમ.જી.વી.સી.એલ. કચેરી ખાતે દોડી ગયાં હતાં અને જ્યાં જવાબદાર કર્મચારીઓ કે અધિકારી દ્વારા લોકોને કોઈ પ્રકારનો જવાબ ન અપાતા લોકોમાં ભારે આક્રોશ સાથે વિસ્તારના લોકોએ એમ.જી.વી.સી.એલ. દાહોદની કામગીરી પર અનેક સવાલો સાથે અનેક આક્ષેપો પણ કર્યાં હતાં.
ગતરોજ માત્ર મીનીટોના વરસાદ બાદ મેઘરાજાએ વિરામ લીધો હતો ત્યારે રાત્રીના નવેક વાગ્યાના આસપાસ દાહોદ શહેરમાં આવેલ લક્ષ્મીનગર, પ્રસારણ નગર, ગારખાયા, રળીયાતી જેવા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો અને વીજળી ગુલ થઈ ગઈ હતી. રાત્રીના સમયે કલાકો સુધી વીજ પુરવઠો ચાલુ ન થતાં અને ઉપરોક્ત વિસ્તારોના રહીશો દ્વારા દાહોદ એમ.જી.વી.સી.એલ. કચેરીએ ફોન કર્યાં બાદ પણ ફોન પર કોઈ નક્કર જવાબો કર્મચારીઓ દ્વારા ન અપાતા અને ત્યાર બાદ ફોન પણ ન લાગતાં આક્રોશમાં આવેલ ઉપરોક્ત વિસ્તારના રહીશો દાહોદ એમ.જી.વી.સી.એલ.ની કચેરી ખાતે ઘસી ગયાં હતાં જ્યાં જઈ જાેયુ તો માત્ર એક – બે કર્મચારીઓ રાત્રીના સમયે ફરજ બજાવતાં હતાં. ટેલીફોનનું રીસીવર પણ સાઈડમાં મુકેલુ હતુ. ઉપરોક્ત રહીશો દ્વારા હાજર કર્મચારીઓને લાઈટ ક્યારે આવશે તેમ પુછતાં કોઈ નક્કર જવાબ મળ્યો ન હતો ત્યારે આક્રોશમાં આવેલ ઉપરોક્ત રહીશોમાં ભારે રોષ જાેવા મળ્યો હતો અને તેઓએ જણાવ્યું હતું કે, મીનીટોના વરસાદ બાદ જાે લાઈટો કલાકો સુધી બંધ રહેતી હોય તો દાહોદ એમ.જી.વી.સી.એલ.ની પ્રિમોનસુનની કામગીરીની ગુલબાંગો પોકારવી કેટલી યોગ્ય ? મેન્ટેન્શનના નામે દર મંગળવારે લાઈટો બંધ કરવાનો પણ શુ મતલબ જ્યારે પ્રથમ વરસાદ અને માત્ર મીનીટોના વરસાદમાં લાઈટો ગુલ થઈ જતી હોય. તમામ અધિકારીઓના મોબાઈલ ફોન પણ બંધ હોવાના આક્ષેપો કર્યાં હતાં. અધિકારીઓ કે કર્મચારીઓ કોઈ જવાબ આપવા તૈયાર નથી. પ્રિમોનસુન કામગીરી માત્ર પેપર પર જ કરવામાં આવતું હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યાં હતાં જાે આવનાર સમયે આ સમસ્યાનું કોઈ યોગ્ય નિરાકરણ નહીં આવે તો આવનાર દિવસોમાં ગાંધી ચિન્ધ્યા માર્ગે જવાની પણ સ્થાનીક રહીશોએ ચીમકી ઉચ્ચારી હતી.
