રાજીનામા અને પક્ષપલટા બાદ 3 વોર્ડમાં ભાજપે નવી રણનીતિ અપનાવી, દાહોદમાં ઉમેદવારોની જાહેરાત બાદ બદલાયા રાજકીય સમીકરણ બદલાતા ભાજપે 5 ઉમેદવારો બદલ્યા.!

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

રાજીનામા અને પક્ષપલટા બાદ 3 વોર્ડમાં ભાજપે નવી રણનીતિ અપનાવી,

દાહોદમાં ઉમેદવારોની જાહેરાત બાદ બદલાયા રાજકીય સમીકરણ બદલાતા ભાજપે 5 ઉમેદવારો બદલ્યા.!

વોર્ડ નંબર એકમાં ત્રણ, છ અને આઠમાં એક એક ઉમેદવાર બદલાયા..

દાહોદ તા.11

 સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં દાહોદ નગરપાલિકાની 36 બેઠકો પર અગાઉ બીજેપી દ્વારા ઉમેદવારોની જાહેરાત કરી સૌને ચોંકાવી દીધા હતા. બીજેપીએ નગરપાલિકામાં તદ્દન નવા ચહેરાઓને તક આપી જુના જોગીઓને ઘર ભેગા કરી દીધા હતા. જે બાદ કેટલાક જુના જોગીઓએ રાજીનામાં મૂકી દીધા છે તો કેટલાકે અન્ય પક્ષમાંથી દાવેદારી નોંધાવી છે. જેના પગલે દાહોદ નગરપાલિકાના ત્રણ વોર્ડમાં રાજકીય સમીકરણ બદલાતા બીજેપીએ ત્રણ વોર્ડમાંથી પાંચ ઉમેદવારોને બદલવાની ફરજ પડી છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારોની જાહેરાત થયા બાદ રાજકીય સમીકરણો બદલાયા છે ખાસ કરીને દાહોદ નગરપાલિકાની 9 વોર્ડમાં સમાવિષ્ટ 36 બેઠકો માટે બીજેપીએ ઉમેદવારોની જાહેરાત કર્યા બાદ ભડકો જોવા મળ્યો હતો. જુના જોગીઓના પત્તા કપાતા પૂર્વ કાઉન્સિલરોએ ભાજપમાંથી રાજીનામા આપી અન્ય રાજકીય પક્ષોમાંથી ઉમેદવારી નોંધાતા રાજકીય સમીકરણો બદલાયા છે જે પૈકી સૌથી ચર્ચાસ્પદ ગણાતા વોર્ડ નંબર 1 માં ભાજપના લોકપ્રિય કાઉન્સિલર લખણ રાજગોરે રાજીનામું મૂકી દીધું હતું સાથે જ પૂર્વ કાઉન્સિલર માસુમા ગરબાડાવાળાએ પણ રાજીનામું મૂકી દીધું હતું તેના બીજા દિવસે લખન રાજગોર માસુમા ગરબાડાવાળા સહિત પાંચ માજી કાઉન્સિલરોએ કોંગ્રેસમાંથી દાવેદારી નોંધાવતા વોર્ડ નંબર એકમાં સમીકરણ બદલાયા હતા. જેના પગલે ભારતીય જનતા પાર્ટીએ વોર્ડ નંબર એકમાં ત્રણ ઉમેદવારો બદલવાની ફરજ પડી છે. જેમાં સામાન્ય બેઠક પર જાહેર કરાયેલા રાકેશ રાધેશ્યામ અગ્રવાલની જગ્યાએ વોર્ડ નંબર છ માં રહેતા મુસ્તુફા નજમુદ્દીન ગાંગરડીવાળાને ઉમેદવાર બનાવ્યા છે તેવી જ રીતે ઓબીસી અને એસટી મહિલા ઉમેદવાર તરીકે જાહેર કરાયેલા ચેતનાબેન હિમાંશુ નાગરની જગ્યાએ રાશિદાબેન શબ્બીરભાઈ જીરુવાલા તેમજ મલીકાબેન જોહરભાઈ ગાંગરડીવાળાની જગ્યાએ ક્રિષ્નાબેન ડામોરને ઉમેદવાર બનાવ્યા છે તેવી જ રીતે વોર્ડ નંબર છ માંથી નાઝીમ પટેલની જગ્યાએ ઇદ્રિશ પાટુક તેમજ વોર્ડ નંબર આઠમાંથી સાયરાબેન અબ્દુલ વાહીદ છત્તલની જગ્યાએ સાદેકા જમાલ સામદને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. આમ દાહોદ નગરપાલિકાના ત્રણ વોર્ડમાં રાજકીય સમીકરણ બદલાતા ભારતીય જનતા પાર્ટીએ ત્રણ વોર્ડમાં પાંચ ઉમેદવારોને બદલવાની ફરજ પડી છે.

Share This Article