રાહુલ ગારી :- ગરબાડા
નઢેલાવમાં ભાજપનો ‘ખેલ’: જૂના ખેલાડીઓ સાઈડલાઈન, શૈલેષ ભાભોરની એન્ટ્રીથી માહોલ ગરમાયો
ગરબાડા તા. ૧૧
ગુજરાતના રાજકારણમાં હંમેશા ચોંકાવનારા નિર્ણયો લેવા માટે જાણીતી ભાજપ હાઈકમાન્ડે નઢેલાવ બેઠક પર પોતાની ‘નો રીપીટ થિયરી’નો ગરબો ઘુમાવ્યો છે. વર્ષોથી આ બેઠક પર વર્ચસ્વ જમાવનારા જૂના જોગીઓનું પત્તું કાપીને પક્ષે યુવા અને અનુભવી ચહેરા શૈલેષભાઈ ભાભોર પર પસંદગીનો કળશ ઢોળ્યો છે.!
ભાજપે આ વખતે કોઈ પણ પ્રકારનું જોખમ લેવાને બદલે ‘નવા ચહેરા, નવી ઊર્જા’ના મંત્રને સાર્થક કર્યો છે. શૈલેષભાઈ ભાભોર અગાઉ ધારાસભ્યની ચૂંટણી લડી ચૂક્યા હોવાથી તેમની પાસે ચૂંટણી લડવાનો બહોળો અનુભવ છે. આ અનુભવ અને તેમની યુવા ઈમેજને જોતા હાઈકમાન્ડે તેમના પર ભરોસો મૂક્યો છે.
નઢેલાવમાં જાણે કેસરી દરિયો ઉમટ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. શૈલેષભાઈ ભાભોરે વિજયના વિશ્વાસ સાથે મામલતદાર કચેરી ખાતે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું.
દિગ્ગજોની હાજરી: ગરબાડા ભાજપના તમામ મોટા ગજાના નેતાઓ એકતાના દર્શન કરાવતા નામાંકન સમયે હાજર રહ્યા હતા.
વાજતે-ગાજતે આગમન: ઢોલ-નગારાના તાલે અને ગગનભેદી નારાઓ સાથે શૈલેષભાઈએ પોતાનું ફોર્મ સબમિટ કર્યું હતું.
ભાજપનો વિજય હુંકાર
રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે શૈલેષ ભાભોરની ઉમેદવારીથી વિરોધી છાવણીમાં ફફડાટ વ્યાપી ગયો છે. એક તરફ અનુભવનું ભાથું અને બીજી તરફ યુવા વર્ગમાં લોકપ્રિયતા—આ સમીકરણ ભાજપ માટે નઢેલાવની બેઠક જીતવા માટે કારગત સાબિત થઈ શકે છે.
