રાજેશ વસાવે :- દાહોદ
રાજકીય થ્રિલર: AAP પ્રમુખ 20 મેન્ડેટ સાથે ગાયબ થતા હોબાળો, મામલો પોલીસ મથકમાં પહોંચ્યો..
ઝાલોદમાં તાલુકા પ્રમુખ 12 કલાક સુધી સંપર્ક વિહોણા રહ્યા બાદ અચાનક પ્રગટ થયા સમગ્ર ઘટનાને “સ્ટ્રેટેજી” ગણાવી
દાહોદ તા. ૧૧
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ઝાલોદમાંથી એક હાઈ વોલ્ટેજ રાજકીય ડ્રામા સામે આવ્યો છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારોના મેન્ડેટ સાથે તાલુકા પ્રમુખ અચાનક ગાયબ થઈ જતા રાજકીય હલચલ મચી ગઈ હતી. જોકે આમાંથી પાર્ટીની સ્ટ્રેટેજી મુજબ બપોર બાદ ઉમેદવારોના ફોર્મ ભરવામાં આવ્યા હતા ત્યારબાદ તાલુકા પ્રમુખ ઓચિંતા હાજર થયા હતા અને તમામ જાહેર કરાયેલા ઉમેદવારોના મેન્ડેડ ચૂંટણી અધિકારીને સુપરત કર્યા હતા.
ઝાલોદ તાલુકામાં આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ સુરેશભાઈ ભાભોર 20 ઉમેદવારોના મેન્ડેટ સાથે અચાનક લાપતા થઈ જતા ઉમેદવારોમાં ભારે ચિંતા અને રોષ જોવા મળ્યો હતો.છેલ્લા 12 કલાકથી સંપર્ક વિહોણા રહેલા પ્રમુખના કારણે ઉમેદવારોમાં ભયનો માહોલ સર્જાયો હતો, કારણ કે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ નજીક હતો અને મેન્ડેટ વગર ઉમેદવારી રદ થવાની ભીતિ સેવાઈ રહી હતી.
રોષે ભરાયેલા ઉમેદવારો મોડી રાત્રે ઝાલોદ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને સમગ્ર મામલે લેખિત અરજી આપીને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.આ ઘટનાને લઈને રાજકીય વર્તુળોમાં અનેક સવાલો ઉભા થયા—શું આ આંતરિક વિવાદ હતો કે કોઈ રાજકીય ષડયંત્ર? આ દરમિયાન ઝાલોદમાં રાજકીય ગરમાવો શિખરે પહોંચ્યો હતો, અને ભાજપ તથા કોંગ્રેસ પણ સક્રિય બની પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા હતા.જોકે આ હાઈ ડ્રામામાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે બપોર બાદ તાલુકા પ્રમુખ સુરેશભાઈ ભાભોર અચાનક પ્રગટ થયા હતા.અને તેમણે તમામ ઉમેદવારોના મેન્ડેટ ચૂંટણી અધિકારીને સોંપી દીધા અને સમગ્ર ઘટનાને રાજકીય સ્ટ્રેટેજીનો ભાગ ગણાવ્યો હતો.આમ ઝાલોદ તાલુકામાં કુલ 20 તાલુકા પંચાયત બેઠકો માટે અંદાજે 112 જેટલા ઉમેદવારી ફોર્મ ભરાયા છે, જ્યારે 3 જિલ્લા પંચાયત બેઠકો માટે 21 ફોર્મ ભરાયા હોવાનું સામે આવ્યું છે. નોંધનીય બાબત છે કે તાલુકા પ્રમુખના જણાવ્યા અનુસાર, ઉમેદવારો ખસકી જાય અથવા અન્ય રાજકીય દબાણમાં આવી જાય તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને મોવડી મંડળના આદેશ મુજબ તેઓ મેન્ડેટ સાથે અદ્રશ્ય થયા હતા.ઉમેદવારોને પહેલાથી જ ફોર્મ ભરવા સૂચના આપવામાં આવી હતી, અને બપોર બાદ તમામ ઉમેદવારોએ ફોર્મ ભર્યા બાદ મેન્ડેટ સબમિટ કરવામાં આવ્યા હતા.
