રાજેશ વસાવે :- દાહોદ
દાહોદમાં ચાઈલ્ડ હેલ્પ લાઈન અને પોલીસની સંયુક્ત કામગીરીથી બાળ લગ્ન અટકાવ્યા.
1098 પર મળેલી માહિતી બાદ તાત્કાલિક એક્શન, 17 વર્ષની દીકરીના લગ્ન મોકુફ
દાહોદ તા.10
દાહોદ જિલ્લામાં બાળ લગ્ન અટકાવવાનો મહત્વપૂર્ણ કિસ્સો સામે આવ્યો છે,જેમાં ચાઈલ્ડ હેલ્પ લાઈન અને સ્થાનિક પોલીસની સતર્ક કામગીરીથી એક સગીર વયની દીકરીના લગ્ન મોકુફ રાખવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ નજીક ભીલવાડા ગામમાં એક 17 વર્ષીય દીકરીના લગ્ન યોજવામાં આવી રહ્યા હતા.જે અંતર્ગત અજાણી વ્યક્તિ દ્વારા 1098 ચાઈલ્ડ હેલ્પ લાઈન પર કોલ કરીને સગીરાના લગ્ન થવાની માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ તરત જ ચાઈલ્ડ હેલ્પ લાઈન ટીમે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરી સંયુક્ત રીતે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ચાઈલ્ડ હેલ્પલાઇન અને પોલીસ લગ્નસ્થળે પહોંચી તપાસ હાથ ધરતા દીકરીની ઉંમર 17 વર્ષથી ઓછી હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ પરિવારજનોને બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ-2006 અંગે વિગતવાર સમજણ આપવામાં આવી હતી અને કાયદાકીય પરિણામોની જાણકારી આપવામાં આવી હતી. ત્યારબાદ ઉપરોક્ત ટીમોના અસરકારક કાઉન્સેલિંગ બાદ પરિવારે લગ્ન મોકુફ રાખવાનો નિર્ણય લીધો હતો અને દીકરી પુખ્ત વયની થયા બાદ જ લગ્ન કરવાની ખાતરી આપી હતી.
આ રીતે સમયસર કાર્યવાહી અને જાગૃતિના કારણે એક બાળ લગ્ન અટકાવવામાં સફળતા મળી છે. ચાઈલ્ડ હેલ્પ લાઈન દ્વારા લોકોને આવી ઘટનાઓ અંગે તાત્કાલિક 1098 પર જાણ કરવાની અપીલ કરવામાં આવી છે.
