ચૂંટણી દરમિયાન વાહનોના દુરઉપયોગ પર નિયમન કરવા બાબતે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું*

Editor Dahod Live
3 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

*ચૂંટણી દરમિયાન વાહનોના દુરઉપયોગ પર નિયમન કરવા બાબતે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું*

દાહોદ તા. ૭

રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર ધ્વારા રાજ્યની મહા નગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની બેઠકોની પર ચૂંટણી યોજવા કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. જે મુજબ દાહોદ જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, દાહોદ નગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે. જે અન્વયે દાહોદ જિલ્લામાં તા.૦૧/૦૪/૨૦૨૬ થી આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે. સદરહું ચૂંટણીઓ અન્વયે તા.૨૬/૦૪/૨૦૨૬ ના રોજ મતદાન અને મતગણતરી તા.૨૮/૦૪/૨૦૨૬ ના રોજ યોજનાર છે તેમજ ચૂંટણી પ્રક્રિયા તા.૩૦/૦૪/૨૦૨૬ ના રોજ પૂર્ણ થનાર છે.

 

ઉમેદવારી પત્રો રજુ કરવા સમયે ઉમેદવારો મોટી સંખ્યામાં કાર્યકરો, ટેકેદારો અને સમર્થકો સાથે ઢોલ નગારા અને વાહનોની મોટી સંખ્યા લઈ ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી પત્રો રજુ કરવા આવે છે. જેના કારણે ચૂંટણી અધિકારીની કચેરીમાં અવ્યવસ્થા અને ઓવર ક્રાઉડીંગની પરિસ્થિતિ ઉભી થાય છે. આ સૂચિતિ નિવારવા અર્થે સ્થાયી સુચનાઓ મુજબ અમલવારી સુનિશ્ચિત કરવા નીચે મુજબ હુકમ કરવો જરૂરી જણાતું હોય, ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ ૧૬૩ હેઠળ નીચે મુજબ હુકમ કરવામાં આવે છે.

 

(૧) ઉમેદવારી પત્રો રજુ કરવા માટે ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમાં ઉમેદવાર અથવા તેના દરખાસ્ત કરનાર અને અન્ય ચાર મળી પાંચ વ્યક્તિઓ જ પ્રવેશી શકશે. એટલે કે કોઈપણ ઉમેદવાર કે તેમના ટેકેદારો, દરખાસ્ત કરનારાઓએ કે સમર્થકો સાથે પાંચથી વધુ સંખ્યામાં ચૂંટણી અધિકારીની કચેરીમાં પ્રવેશ કરવો નહીં.

(2) ઉમેદવારી પત્ર રજુ કરવા આવતા સમયે ચૂંટણી અધિકારી કે મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરી આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં વધુમાં વધુ ત્રણ વાહનો સાથે પ્રવેશી શકાશે. ત્રણથી વધુ વાહનો સાથે કચેરીના ૧૦૦ મીટરના વિસ્તારમાં કોઈએ પ્રવેશવું નહીં.

(૩) ઉપર મુજબની સૂચનાઓનો અમલ ઉમેદવાર જયારે તેઓનું ઉમેદવારીપત્ર લેવા આવે/ ઉમેદવારી પત્ર ભરવા આવે / ચકાસવા આવે/ પરત ખેચવા આવે અથવા અન્ય કોઈ કામથી ચૂંટણી અધિકારીની કચેરીમાં આવે ત્યારે પણ કરવાનો રહેશે તથા સદર કામે ઉપયોગમાં લેવાયેલ વાહનોનો ખર્ચ ઉમેદવારના ખર્ચમાં ઉધારવાનો રહેશે.

(૪) રાજકીય પાર્ટી સાથે જોડાયેલા લોકો દ્વારા ત્રણ થી વધુ વાહનોનો કાફલો લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે.

 

આ હુકમ ઈસ્યુ કર્યા તારીખથી થી તા.૩૦/૦૪/૨૦૨૬ સુધી અમલમાં રહેશે. તેમજ સમગ્ર દાહોદ જિલ્લાના વિસ્તારને લાગુ પડશે. 

*શિક્ષા*

આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાપાત્ર થશે. આ હુકમ અન્વયે જિલ્લામાં કરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ તેમજ તેમનાથી ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારી/કર્મચારીઓને પોલીસ ફરિયાદ દાખલ કરવા અધિકૃત કરવામાં આવે છે. એમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દાહોદ દ્વારા જણાવાયું છે.

૦૦૦

Share This Article