બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા તાલુકાના બાવાની હાથોડમાં એક માસથી પીવાના પાણીના વલખા મારતા સ્થાનિકો*
*સ્થાનિકો દ્વારા ગ્રામ પંચાયત સહિત પાણી પુરવઠાના જવાબદારોને રજૂઆતો કરવા છતાં કામગીરી નહીં થઈ હોવાનો આક્ષેપ*
*જવાબદાર અધિકારીઓ દ્વારા પાણીની પડતી મુશ્કેલી દૂર નહીં કરતા આખરે ગ્રામજનોએ ફાળો કરી પાઇપલાઇન નાખવાની ફરજ પડી*
સુખસર,તા.28
ફતેપુરા તાલુકામાં સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે પ્રજાને પીવાની પાણીની સુવિધા આપવા માટે વિવિધ યોજનાઓ દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે.તેમ છતાં કેટલાક ગામડાઓમાં પિવાના પાણીની સમસ્યા નિવારી શકાઈ નથી.અને દર વર્ષે ઉનાળાનો પ્રારંભ થતાં પાણીના પોકારો પડતા હોવાનું સાંભળવા મળે છે.તેવી જ રીતે હાલમાં ફતેપુરા તાલુકાના બાવાની હાથોડમાં છેલ્લા એક માસથી પિવાના પાણીની સમસ્યાથી સ્થાનિકો પીડાઈ રહ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના બાવાની હાથોડ ગામે 500 થી વધુ ઘરોની વસ્તી આવેલ છે.જ્યાં નલસે જલ યોજના ની પાઇપ લાઇન નાખી ગ્રામજનોને પીવાનું પાણી આપવા માટેનુ આયોજન કરવામાં આવેલ હતું.જ્યાં થોડો સમય પાણી આવ્યા બાદ બાવાની હથોડ ગામે આવતી પાઇપલાઇન તૂટી જતા છેલ્લા એક માસથી પાણી મળતું નહીં હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. જ્યારે પાણીની પડતી મુશ્કેલી બાબતે ગ્રામ પંચાયત સહિત ઝાલોદ પાણી પુરવઠામાં જાણ કરતા તમો ગ્રામ પંચાયતનો લેટરપેડ લાવવો તમને નવીન પાઇપો નાખી આપીશું તેવું જણાવેલ.ત્યારબાદ ગ્રામ પંચાયતમાં આવતા ગ્રામ પંચાયતમાંથી વિવિધ બહારના હેઠળ લેટર પેડ નહીં આપતા સ્થાનિકોએ ફાળો કરી પોતાના ખર્ચે પાઇપો લાવી પોતેજ છ દિવસ સુધી ખોદાણ કરી પાઇપો નાખવાની કામગીરી કરી હોવાનું જાણવા મળે છે.તેમ છતાં આ પાઇપમાં આજ દિન સુધી પાણી નહીં આવતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. હાલ સ્થાનિકો તથા પશુઓને પીવાના પાણીની વિકટ સમસ્યા ઊભી થયેલ હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. ત્યારે બાવાની હાથોડ ગામે નળ સે જલ યોજનાનુ પાણી વહેલી તકે પહોંચાડવામાં આવે તેવી ગ્રામજનોમાં માંગ ઉઠવા પામેલ છે.
અમારા બાવાની હથોડ ગામમાં 500 થી 600 જેટલા ઘરો આવેલા છે.અને અમારા ગામમાં પીવાના પાણીની સુવિધા માટે નલ સે જલ યોજનાની પાઇપલાઇન નાખવામાં આવેલ હતી. તે ગત એક માસ આગાઉ તૂટી જતા પાણી બંધ થઈ ગયેલ હતું.જેની અમોએ ઓપરેટર,ગ્રામ પંચાયત સહિત ઝાલોદ પાણી પુરવઠામાં જાણ કરી નવીન પાઇપો નાખવા માટે રજૂઆત કરી હતી.પરંતુ અમારી રજૂઆત પ્રત્યે એક માસ સુધી ધ્યાન નહિ અપાતા આખરે અમોએ ગ્રામજનોએ ફાળો કરી પાઈપો લાવી અમો પોતે મજૂરી કરી આ પાઇપ લાઇન નાખી છે.છતાં આજદિન સુધી અમારા ગામમાં પાણી આવતું ન હોય અમો પાણી માટે વલખા મારી રહ્યા છીએ.અને વહેલી તકે અમોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે તેવી અમારી માગણી છે.
*(નાનાભાઈ કાળુભાઈ પટેલ,બાવાની હાથોડ,સ્થાનિક)*
