બાબુ સોલંકી :- સુખસર
*સુખસરમાં શ્રી રામ નવમી નિમિતે ભવ્ય શોભાયાત્રા ઊજવાઈ*
સુખસર,તા.27
સુખસર નગરમાં રામ નવમી નિમિતે “શ્રી રામ શોભાયાત્રા” ભવ્ય અને ભક્તિમય વાતાવરણમાં ઊજવાઈ હતી.મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવ પ્રસંગે સમગ્ર નગરમાં ધાર્મિક ઉત્સાહ છવાયો હતો.કાર્યક્રમ મુજબ બપોરે 12 વાગ્યે રામ જન્મોત્સવ ઉજવાયો હતો.જ્યારે સાંજે 6 વાગ્યે દયાળુ હનુમાનજી મંદિરથી શોભાયાત્રા પ્રસ્થાન કરી હતી.આ શોભાયાત્રા પંચાયત ચોક,પંચાલ ફળિયા,પોલીસ સ્ટેશન,પીપળી ચોક અને બસ સ્ટેશન જેવા મુખ્ય માર્ગો પરથી પસાર થઈ પરત દયાળુ હનુમાનજી મંદિર ખાતે આવી સમાપન કરવામાં આવ્યું હતું.
શોભાયાત્રામાં ભજન-કીર્તન, જયઘોષ તેમજ ડી.જે ના તાલે ભક્તો ઉત્સાહભેર જોડાયા હતા.રસ્તામાં સેવા ભાવિ ભક્તો દ્વારા ઠેર ઠેર પાણીની વ્યવસ્થા તેમજ આઈસક્રીમનું વિતરણ કરવામાં આવ્યું હતું.જેનાથી સેવા ભાવના સુંદર દૃશ્ય જોવા મળ્યા હતા.
તે ઉપરાંત બહેનો દ્વારા પોતાના ઘરમાંથી અક્ષતની વાટકી ભરીને રથમાં અર્પણ કરવામાં આવતું દૃશ્ય પણ ભક્તિ અને શ્રદ્ધાનો અનોખુ ઉદાહરણ બન્યું હતું.અંતે દયાળુ હનુમાનજી મંદિર પર મહા આરતી કરવામાં આવી હતી.અને ભક્તોને પ્રસાદ વિતરણ કર્યા બાદ શોભાયાત્રા પૂર્ણ કરવામાં આવી હતી.
નગરજનો અને આસપાસના ગામોના લોકોએ સહપરિવાર ઉપસ્થિત રહી કાર્યક્રમને ભવ્યતા આપી હતી.વેપારીઓએ પણ સ્વેચ્છાએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી શોભાયાત્રામાં ભાગ લીધો હતો.
સુખસર પ્રખંડ સમિતિના આયોજન હેઠળ યોજાયેલ આ કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો અને સમગ્ર નગર ભક્તિમય બની ગયું હતું.
