રાજેશ વસાવે :- દાહોદ
ગોધરા–નાગદા રેલ માર્ગ સંપૂર્ણ ઓટોમેટિક સિગ્નલિંગથી સજ્જ, રતલામ મંડળની મોટી સિદ્ધિ
અનાસ–બજરંગગઢ ખંડમાં નવી સિસ્ટમ શરૂ, માત્ર 5.15 કલાકમાં કાર્ય પૂર્ણ
રતલામ, તા. 25
પશ્ચિમ રેલવેના રતલામ મંડળે નાણાકીય વર્ષ 2025–26 દરમિયાન મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. અનાસ થી બજરંગગઢ વચ્ચેના 29.48 કિલોમીટર લાંબા રેલવે ખંડમાં ઓટોમેટિક બ્લોક સિગ્નલિંગ સિસ્ટમ સફળતાપૂર્વક શરૂ કરવામાં આવી છે.આ સાથે ગોધરા થી નાગદા વચ્ચેનો 224.49 કિલોમીટર લાંબો ‘એ’ રૂટ હવે સંપૂર્ણપણે ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમથી સજ્જ બન્યો છે.
ખાસ નોંધનીય બાબત એ છે કે આ સમગ્ર કામગીરી માત્ર 5.15 કલાકમાં પૂર્ણ કરવામાં આવી હતી, જે ટેકનિકલ કુશળતા અને વિભાગો વચ્ચેના ઉત્તમ સમન્વયનું પ્રતિબિંબ છે.આ પ્રોજેક્ટ અંતર્ગત મેઘનગર રેલવે સ્ટેશન પર નવી ઈલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ (EI) સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે. ઉપરાંત ટ્રેક મશીન અને રેલ ગ્રાઈન્ડિંગ મશીન માટે સાઈડિંગ સુવિધા, ગુડ્સ પ્લેટફોર્મનો વિસ્તાર અને લાઈન નંબર 6 થી અપ તથા ડાઉન મેઈન લાઈનને સીધી કનેક્ટિવિટી આપવામાં આવી છે.
આ સિદ્ધિ મંડળ રેલ પ્રબંધક અશ્વિની કુમારના માર્ગદર્શન હેઠળ તેમજ સિનિયર સિગ્નલ અને ટેલિકોમ એન્જિનિયર આર.એસ. મીના, મંડલ સિગ્નલ અને ટેલિકોમ એન્જિનિયર દિવ્યા પારીખ સહિત અધિકારીઓ અને કર્મચારીઓના સંયુક્ત પ્રયાસોથી પ્રાપ્ત થઈ છે. વિવિધ વિભાગો વચ્ચેના સુમેળને કારણે આ કાર્ય સમયમર્યાદામાં પૂર્ણ થયું છે.
પશ્ચિમ રેલવે રતલામ મંડળના જનસંપર્ક અધિકારી મુકેશ કુમાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ આધુનિકીકરણથી ટ્રેક ક્ષમતા, સુરક્ષા અને સંચાલન કાર્યક્ષમતા વધશે તેમજ માનવીય ભૂલથી થતા અકસ્માતોમાં નોંધપાત્ર ઘટાડો થશે.પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓમાં 100 ટકા રિડંડન્સી પાવર સપ્લાય, 4 નવા ઓટો હટ્સ, 33 ઓટોમેટિક સિગ્નલ, 12 સેમી-ઓટોમેટિક સિગ્નલ અને 2 ગેટ સિગ્નલના રૂપાંતરણનો સમાવેશ થાય છે. અનાસ, થાંદલા રોડ અને બજરંગગઢ સ્ટેશનો પર હાલની ઈઆઈ સિસ્ટમમાં સુધારા કરવામાં આવ્યા છે, જ્યારે મેઘનગર ખાતે નવી ડિસ્ટ્રિબ્યુટેડ ઈઆઈ સ્થાપિત કરવામાં આવી છે.આ ઉપરાંત ફાયર ડિટેક્શન એન્ડ અલાર્મ સિસ્ટમ, ફ્યુઝ ઓટો ચેન્જઓવર સિસ્ટમ અને અર્થ લીકેજ ડિટેક્ટર જેવી આધુનિક સુરક્ષા વ્યવસ્થાઓ પણ લાગુ કરવામાં આવી છે.
