હોળીમાં રજા માણવા આવેલા સાવલી કોલેજના વિદ્યાર્થીઓને નડ્યો અકસ્માત : ક્રેઈન મારફતે ફોર વ્હીલર બહાર કઢાઈ દેવગઢ બારીઆમાં બેકાબુ બનેલી ફોર વ્હીલર ગાડી દિવાલ તોડીને માનસરોવર તળાવમાં ખાબકી : એક વિદ્યાર્થીનું મોત બેનો બચાવ

Editor Dahod Live
3 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

હોળીમાં રજા માણવા આવેલા સાવલી કોલેજના વિદ્યાર્થીઓને નડ્યો અકસ્માત : ક્રેઈન મારફતે ફોર વ્હીલર બહાર કઢાઈ

દેવગઢ બારીઆમાં બેકાબુ બનેલી ફોર વ્હીલર ગાડી દિવાલ તોડીને માનસરોવર તળાવમાં ખાબકી : એક વિદ્યાર્થીનું મોત બેનો બચાવ

દાહોદ તા.૦૯

દેવગઢ બારીઆ નગરમાં આવેલ માનસરોવર તળાવમાં બેકાબુ બનેલી ફોર વ્હીલર ગાડી દિવાલ તોડીને તળાવમાં ખાબકી હતી. જેમાં કારમાં સવાર ત્રણ વિદ્યાર્થીઓ તળાવના પાણીમાં ડુબવા લાગ્યાં હતાં. આ સમયે આસપાસના સ્થાનીક મુસ્લિમ યુવકોએ બહાદુરી પુર્વક તળાવમાં કુદીને ત્રણ પૈકી બે વિદ્યાર્થીઓને ઈજાગ્રસ્ત હાલતમાં બહાર કાઠ્યાં હતાં. અને એમ્બ્યુલંશ મારફતે સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યાં હતાં જ્યારે ત્રીજાે વિદ્યાર્થી પાણીમાં ગરકાવ થઈ જતાં દેવગઢ બારીઆ ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. અને શોધખોળના અંતે ત્રીજા વિદ્યાર્થીને મરણ પામેલી હાલતમાં બહાર કાઢવામાં આવ્યો હતો. આ ઘટનાથી પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. હોળી તહેવારમાં રજા ગાળવા આવેલા કોલેજના વિદ્યાર્થીઓને અકસ્માત નડતાં રાજકોટના વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું. જેના પગલે તેના પરિવારજનોમાં માતમ ફેલાયો હતો. આ ઘટના સમયે નગરપાલિકા પ્રમુખ તેમજ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં અને રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સાંજના સમયે ક્રેઈન મારફતે ફોર વ્હીલર ગાડીને પણ તળાવમાંથી બહાર કાઢી લેવામાં આવી હતી.

 

પ્રાપ્ત માહિતી અનુસાર, દેવગઢ બારીઆનો રહેવાસી રાકેશકુમાર અગ્રવાલ નામક વિદ્યાર્થી તેના અન્ય બે મિત્રો ધ્રુવરાજ વરીયા અને રાહુલ ચાવડા (રહે.રાજકોટ) સાથે સાવલી કોલેજમાં અભ્યાસ કરી રહ્યાં હતાં. હાલ હોળીના તહેવાર ટાણે કોલેજમાં રજા હોવાથી બંન્ને વિદ્યાર્થીઓ ઘરે જવાને બદલે રાકેશ અગ્રવાલ સાથે દેવગઢ બારીઆ રજા ગાળવા આવી ગયાં હતાં. ગઈકાલે ત્રણેય વિદ્યાર્થીઓ હ્યુન્ડાઈ વર્ના કાર લઈને દેવગઢ બારીઆના ઐતિહાસિક માનસરોવર તળાવ ખાતે પીકનીક મનાવવા આવ્યાં હતાં. આ સમયે ગાડી ચલાવી રહેલા ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતાં હ્યુન્ડાઈ કાર દિવાલ તોડીને માનસરોવર તળાવમાં ખાબકી હતી. કારમાં સવાર ત્રણ મિત્રો પાણીમાં ગરકાવ થવા લાગ્યાં હતાં. મિત્રોએ બુમાબુમ કરી મુકતા આસપાસના સ્થાનીક મુસ્લિમ યુવકોએ હિંમ્મતભેર પાણીમાં છલાંગ લગાવી ડુબી રહેલા યુવકોને બચાવવા પડ્યાં હતાં અને ભારે જહેમત બાદ ધ્રુવરાજ બરીયા તેમજ રાકેશ અગ્રવાલને બચાવી લેવામાં આવ્યો હતો પરંતુ રાહુલ ચાવડાનો કોઈપત્તો ન લાગ્યો હતો. આ સમયે નગરપાલિકા પ્રમુખ ધર્મેશ કલાક તેમજ આસપાસના લોકો દોડી આવ્યાં હતાં અને રાહત તેમજ બચાવ કામગીરી હાથ ધરી હતી. રાહુલ ચાવડાની શોધખોળ માટે દેવગઢ બારીઆની ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. દરમ્યાન બહાર કઢાયેલા બંન્ને વિદ્યાર્થીઓને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તેઓને તાબડતોડ દેવગઢ બારીઆના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યાં હતાં. બીજી તરફ ફાયર બ્રિગ્રેડ ભારે શોધખોળ બાદ રાહુલ ચાવડાના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી લીધો હતો. આ ઘટનામાં દેવગઢ બારીઆ પોલીસે અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી મરણ જનાર રાહુલ ચાવડાના મૃતદેહને ખસેડવામાં આવ્યો છે સાથે તેના વાલીવારસાને જાણ કરતાં તેઓ પર પણ આભ તુટી પડ્યો હોય તેવી પરિસ્થિતીનું નિર્માણ થયું છે.

Share This Article