ઈરફાન મકરાણી :- દે. બારીયા
૨.૫ની તીવ્રતા હોવાથી કોઈ ખાનાખરાબી નહીંવત : સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા મેસેજ પસાર થતાં સર્વેની કામગીરી હાથ ધરાઈ
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ અને ધાનપુરમાં ભુકંપના આંચકા નોંધાંતાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમમાં દોડધામ
સ્ટેટ ડિઝાસ્ટર દ્વારા જાહેર કરાયેલા લોકેશનમાં જંબુસર તેમજ ગઢાડભવામાં ભુકંપના આંચકાનો ખુલાસો
દાહોદ તા.૦૫
દાહોદ જિલ્લામાં આજરોજ બપોરના સમયે ઓચિંતો ભુકંપનો આંચકો આવતાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની કચેરીના ફોન રણકવા લાગ્યાં હતાં. જાણવા મળ્યાં મુજબ દેવગઢ બારીઆ તાલુકા તેમજ ધાનપુર તાલુકાના આસપાસના વિસ્તારોમાં ભુકંપના આંચકા નોંધાંયાં હતાં. ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ દેવગઢ બારીઆ તાલુકાના જંબુસર તેમજ ધાનપુર તાલુકાનાસ ગઢાડભવામાં ભુકંપના આંચકો નોંધાંયાં હતાં જાેકે, સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં ૨.૫ રેકસ્ટર સ્કેલ પર ભુકંપના આંચકા નોંધાંયાં હોવાનું સામે આવ્યું છે.
ગુજરાત રાજ્યની સ્ટેટ ડિઝાસ્ટરના વોટ્સએપ ગ્રૃપમાં દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆના જબુંસર તેમજ ધાનપુરના ગઢાડભવામાં ભુકંપના આંચકા નોંધાંયાં હોવાનું મેસેજ આવતાં દાહોદ જિલ્લા ડિઝાસ્ટરની ટીમ સક્રિય બની હતી અને દેવગઢ બારીઆ પ્રાંત અને મામલતદાર કચેરીને આ ઘટના વિશે અંગેની જાણકારી આપવામાં આવી હતી જે બાદ દેવગઢ મામલતદાર સમીર પટેલ તેમજ ધાનપુરના મામલતદારના માર્ગદર્શનમાં નાયબ મામલતદાર, તલાટી, સર્કલની ટીમ દ્વારા જે જગ્યાએ ભુકંપના આંચકા નોંધાંયાં હતાં તે સ્થળોની મુલાકાત લીધી હતી સાથેજ આ વિસ્તારમાં ભુકંપના કારણે કોઈ ખાનાખરાબી સર્જાઈ હતી છે કે કેમ, તે અંગે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સ્ટેટ ડિઝાસ્ટરની ટીમ દ્વારા મળેલી લોકેશનના આધારે ટ્રેક કરતાં દેવગઢ બારીઆ અને ધાનપુરના ઉપરોક્ત ગામોમાં ભુકંપના આંચકા નોંધાંયાં હોવાનું સામે આવ્યું હતું. જાેકે, ૨.૫ મેગ્રિટ્યુટની તીવ્રતાની સાથે ભુકંપના આંચકા નોંધાંયાં હોવાથી કોઈ ખાનાખરાબીના અહેવાલ હજી સુધી પ્રાપ્ત થયાં નથી પરંતુ દાહોદમાં ભુકંપ આવ્યો હોવાની વાતો વાયુવેગે પ્રસરતાં ઉપરોક્ત બનાવ ટોક ઓફ ધી જિલ્લો બનવા પામ્યો હતો.
