વાર્ષિક રૂપિયા ૧ લાખ થી વધુનો નફો મેળવતા પ્રગતિશીલ ખેડૂત* *પ્રાકૃતિક ખેતી દ્વારા પરિવારને સ્વસ્થ અને તંદુરસ્ત રાખીએ : પ્રગતિશીલ ખેડૂતશ્રી કાળુભાઇ મોરી*

Editor Dahod Live
3 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

*વાર્ષિક રૂપિયા ૧ લાખ થી વધુનો નફો મેળવતા પ્રગતિશીલ ખેડૂત*

*પ્રાકૃતિક ખેતી દ્વારા પરિવારને સ્વસ્થ અને તંદુરસ્ત રાખીએ : પ્રગતિશીલ ખેડૂતશ્રી કાળુભાઇ મોરી*

*આપણે ખેડૂત છીએ તો રાસાયણિક વાળા ઝેર યુક્ત ખોરાક પીરસવા કરતાં ઝેર મુક્ત કુદરતી પદ્ધતિથી ખેતી કરી ઝેર મુક્ત ખોરાક કેમ ન પકવીએ..!:ખેડૂતશ્રી કાળુભાઇ મોરી*

દાહોદ તા. ૨૫

દાહોદ તાલુકાના બોરડી ઇનામી ગામના ખેડૂતશ્રી કાળુભાઇ મોરી વર્ષ ૨૦૨૦ માં આત્મા પ્રોજેક્ટમાં જોડાયા બાદ તેઓએ વિવિધ સ્થળોએ પ્રાકૃતિક ખેતીની તાલીમ લઈને એમણે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી. પ્રાકૃતિક ખેતીમાં તેઓ મકાઇ, ડાંગર, ઘઉ, ચણા, સોયાબિનની ખેતી કરે છે. તેમના ખેતરમાં ૫૦ થી વધુ આંબા, ૫૦ દેશી સાગ, સરગવા ૧૦, ૨૦ જેટલા લીંબુના ઝાડ સહિત ફળ-ફળાદીના વૃક્ષોનું પણ વાવેતર કરેલ છે. સાથે તેઓ શાકભાજીમાં ટામેટા, ચોળી, મરચા, રીંગણ, ગવાર, ભીંડાની પણ ખેતી કરી વાર્ષિક ૧ લાખથી વધુની આવક મેળવી રહ્યા છે.

ખેડૂતશ્રી કાળુભાઇ મોરી સાથે વાત કરતા તેઓએ કહ્યું હતું કે ૨૦૨૦ માં આત્મા પ્રોજેક્ટમાં જોડાયા બાદ મેં પ્રાકૃતિક ખેતી વિશે જાણવા માટે વિવિધ જગ્યાએ તાલીમ લીધી હતી. તાલીમ દરમિયાન મેં જાતે આયામો બનાવ્યા હતા. મેં અનુભવ મેળવ્યા બાદ મારા ખેતરમાં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી. અમે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કર્યા બાદ દર વર્ષે એક નવું ખેતર પ્રાકૃતિક ખેતીથી કરવાની શરૂઆત કરી હતી. આજે અમારા તમામ ખેતરો પ્રાકૃતિક ખેતીથી અનાજ, શાકભાજી, ફળ-ફળાદીના વૃક્ષો સહિતના પાક પ્રાકૃતિક રીતે થઇ રહ્યા છે. 

વધુમાં એમણે કહ્યું કે, પ્રાકૃતિક ખેતી કરવાથી ખેતીમાં ખર્ચ નહીવત જેટલો થાય છે, આવક બમણી થવા લાગી છે. જમીન પોચી બની, ભેજની ક્ષમતા વધી અને ખેતીમાં પિયતની સંખ્યા ઘટવાના કારણે પાણીની જરૂર પણ ઓછી પડે છે. આખા ખેતરમાં અળસિયાઓએ જમીનને પોચી બનાવતા કુદરતી રીતે વરસાદના પાણીનો સંગ્રહ થાય છે. જેથી પાણીના સ્તર પણ ઉપર આવી રહ્યાં છે. 

દાહોદ જિલ્લાના ખેતી કરતા ખેડૂતોને વિનંતી કરતાં એમણે કહ્યું હતું કે, રાસાયણિક ખાતર અને દવાથી કરેલી ખેતીમાંથી પકવેલું અનાજ ખાવાથી નાના બાળકો સહિત યુવાનોમાં આજે ભયંકર રોગો થઈ રહ્યા છે.

રાસાયણિક દવા-ખાતર-બિયારણ છોડીને આવનાર ભવિષ્યને બચાવવા માટે આપણે પ્રાકૃતિક ખેતી કરીએ અને પોતાના પરિવારને તંદુરસ્ત અને સ્વસ્થ રાખીએ. આપણે ખેડૂત છીએ તો આપણા પરિવારની થાળીમાં રાસાયણિક વાળા ઝેર યુક્ત ખોરાક પીરસવા કરતાં કુદરતી પદ્ધતિથી ખેતી કરી ઝેર મુક્ત ખોરાક પકવીને ઝેર મુક્ત ખોરાક કેમ ન પીરસીએ..!

Share This Article