બાબુ સોલંકી :- સુખસર
*સંતરામપુરથી ઉખરેલી તરફ જતા ખાનગી પ્રાઇવેટ વાહનોમાં ઘેટા બકરાની માફક બિન રોકટોક વહન કરાતા મુસાફરો*
*બાળકો તથા પુરુષોને જીપોના કઠેડા ઉપર બેસી જીવના જોખમે મુસાફરી કરવા મજબુર બનાવાય રહ્યાછે?*
*વાહન ચાલકો પોલીસને હપ્તા આપતા હોવાનું જણાવી મુસાફરો સાથે દાદાગીરી કરી રહ્યા છે!*
સુખસર,તા.21

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં ગ્રામ્ય વિસ્તારો તરફ જતા જાહેર માર્ગો ઉપર એસટી બસોના ઓછા રૂટના કારણે ખાનગી વાહન ન હોય પોતાનું સામ્રાજ્ય જમાવી લીધું છે.ત્યારે ખાનગી વાહન ચાલકો પોતાના કબજાના વાહનમાં ઘેટા બકરાની માફક વાહનમાં અંદર, આજુ-બાજુ,કઠેડા ઉપર તથા બોનટ ઉપર મુસાફરોને બેસાડી બિન રોકટોક વાહનો દોડાવી મુસાફરોના જીવ સાથે રમત રમી રહ્યા હોવાનું નજરે જોતા જણાઈ આવે છે જ્યારે ખાસ કરીને સંતરામપુર થી ઉખરેલી તરફ જતા ખાનગી વાહનોમાં મુસાફરો જીવના જોખમે મુસાફરી કરતા હોવાનું નજરે જોતા જણાઈ આવે છે.ત્યારે ખાનગી વાહન ચાલકો સામે પોલીસ તથા આર.ટી.ઓ દ્વારા ઘનિષ્ઠ તપાસ હાથ ધરી ખાનગી વાહન ચાલકોની શાન ઠેકાણે લાવવી જરૂરી છે.
જાણવા મળેલ વિગતો મુજબ સંતરામપુર તાલુકાના મુખ્ય મથક સંતરામપુર થી ઉખરેલી ભંડારા, ખેડાપા,નાનીક્યાર,ભાણાસીમલ તરફ જતી ખાનગી જીપોમાં ઘેટા બકરાની માફક મુસાફરોને ભરી વહન કરવામાં આવી રહ્યા છે.તેમાં માત્ર મહિલાઓને વાહનની અંદર જ્યારે વિદ્યાર્થીઓ, બાળકો તથા પુરુષોને બળજબરી વાહનના બોનટ તથા છાપરા ઉપર બેસવા માટે વાહન ચાલકો દ્વારા મજબૂર કરવામાં આવી રહ્યા હોવાનું વહન કરવામાં આવતા મુસાફરોને નજરે જોતા જણાઈ આવ્યું હતું.અને આ બાબતે સંતરામપુરથી ઉખરેલી તરફ જતા એક જીપ ચાલક ને પૂછતા તેણે જણાવ્યું હતું કે,અમો પોલીસને હપ્તા આપીએ છીએ માટે અમો અમારી રીતે ગાડીમાં પેસેન્જરો ભરીએ છીએ. અમારે પણ આવક કરવી પડતી હોય છે.તમારે પોલીસને ફોન કરવો હોય તો કરી શકો છો ના જવાબ મુસાફર જનતાને જીપ ચાલકો દ્વારા આપવામાં આવતા હોવાનું જાણવા મળે છે.સંતરામપુર થી ઉખરેલી તરફ જતી તમામ જીપ ચાલકો દ્વારા વિદ્યાર્થીઓ તથા પુરુષોને ફરજીયાત જીપના બોનટ તથા છાપરા ઉપર બેસવા માટે મજબૂર બનાવતા હોવાનું જાણવા મળે છે.કમ નસીબે આવા વાહનને અકસ્માત નડે તો મોટી જાનહાની થવાના સંકેત પણ જણાઈ રહ્યા છે.
અહીં આ જણાવી દઈએ કે, સંતરામપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારો તરફ જતા માર્ગો ઉપર એસ.ટી બસોના અભાવે મુસાફર જનતા ખાનગી વાહનોનો સહારો લઈ રહી છે.ત્યારે વાહન ચાલકો મજબૂર મુસાફર જનતાનો ગેરલાભ ઉઠાવી મુસાફરોના જીવ સાથે રમત રમતા ખાનગી વાહન ચાલકોની પોલીસ તથા આર.ટી.ઓ દ્વારા સઘન તપાસ હાથ ધરી મુસાફર જનતા ના જીવ સાથે રમાતી રમત બંધ કરાવવામાં આવે તેવી મુસાફર જનતાની માંગ ઉઠવા પામેલ હોવાનું જાણવા મળે છે.
