*ફતેપુરા તાલુકાના કરોડિયાર્પૂર્વ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ રાધિકા નીનામાને આખરે ડી.ડી.ઓએ સસ્પેન્ડ કર્યા*  *કરોડિયાર્પૂર્વ ગ્રામ પંચાયતમાં શાળાની બનેલી કમ્પાઉન્ડ વૉલને 15મા નાણાંપંચ હેઠળ બતાવી રૂ.1.66 લાખની ગેરરીતિ આચરી હતી*

Editor Dahod Live
2 Min Read

બાબુ સોલંકી:- સુખસર

*ફતેપુરા તાલુકાના કરોડિયાર્પૂર્વ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ રાધિકા નીનામાને આખરે ડી.ડી.ઓએ સસ્પેન્ડ કર્યા* 

*કરોડિયાર્પૂર્વ ગ્રામ પંચાયતમાં શાળાની બનેલી કમ્પાઉન્ડ વૉલને 15મા નાણાંપંચ હેઠળ બતાવી રૂ.1.66 લાખની ગેરરીતિ આચરી હતી*

સુખસર,તા.21

 

 દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના કરોડિયાર્પૂર્વ ગ્રામ પંચાયત વારંવાર કોઈને કોઈ વિવાદોમાં સપડાયેલી રહે છે.સમયાંતરે વારંવાર કોઈના કોઈ કામને લઈને ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠવા લાગી હતી ત્યારે આ વખતે ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા15મા નાણાંપંચની ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર કરીને લાખો રૂપિયાની હેરાફેરી કરી છે.તેવી ફરિયાદ જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવી હતી. આ ગેરવહીવટનો પર્દાફાશ થતાં જિલ્લા તંત્ર સક્રિય બન્યું છે.પ્રાથમિક શાળા દ્વારા પહેલેથી જ બનાવાયેલી કમ્પાઉન્ડ વૉલને પંચાયતે પોતાના ખર્ચે બનાવેલી દર્શાવી સરકારી નાણાં ઉપાડી લીધા હોવાનો ગંભીર આક્ષેપ તપાસમાં સાચો ઠર્યો હતો.

     ‌મળતી માહિતી મુજબ ફતેપુરા તાલુકાની મોટાગડા પ્રાથમિક શાળામાં વર્ષ 2023-24 દરમિયાન સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ એસએમસી કમિટીએ કમ્પાઉન્ડ વૉલનું નિર્માણ કર્યું હતું. કામ પૂર્ણ થયા બાદ તેનું ચૂકવણું પણ નિયમિત રીતે થઈ ગયું હતું.છતાં પણ ગ્રામ પંચાયતે તે જ દીવાલને પોતાના ખર્ચે બનાવેલી બતાવી રૂ.4.40 લાખનું એસ્ટીમેટ તૈયાર કર્યું હતું.અને તેમાંમાંથી રૂ.1,66,500નું ચુકવણું કરી દીધું હતું.આ મામલે થયેલી ફરિયાદના આધારે તાલુકા વિકાસ અધિકારી દ્વારા સ્થળ તપાસ હાથ ધરવામાં આવી હતી.તપાસ દરમિયાન શાળાના આચાર્યના લેખિત નિવેદન અને અન્ય દસ્તાવેજો પરથી સ્પષ્ટ થયું કે દીવાલ એસએમસી દ્વારા જ બનાવવામાં આવી હતી.પંચાયત દ્વારા રજૂ કરાયેલા ફોટોગ્રાફ અને ઠરાવો હકીકત સાથે મેળ ખાતા ન હોવાનું બહાર આવ્યું હતું.

      જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા સમક્ષ યોજાયેલી સુનાવણી દરમિયાન ઉપલબ્ધ દસ્તાવેજી પુરાવાઓના આધારે ગંભીર ગેરરીતિ સાબિત થતાં રાધિકા નીનામાને ગુજરાત પંચાયત અધિનિયમની કલમ-57(1) હેઠળ હોદ્દા પરથી દૂર કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.

સાથે જ પંચાયતનો વહીવટી ચાર્જ ઉપ-સરપંચને સોંપવા અને સમગ્ર મામલે તલાટી-કમ-મંત્રી સામે ખાતાકીય તપાસ હાથ ધરવા સૂચના આપવામાં આવી છે.જિલ્લા તંત્રની આ કાર્યવાહીથી સરકારી ગ્રાન્ટોમાં ગેરરીતિ કરનારાઓમાં ચિંતા ફેલાઈ છે.અને ભવિષ્યમાં આવી ઘટનાઓ સામે કડક પગલાં લેવાની ચેતવણીરૂપ સંદેશ આપવામાં આવ્યો છે.

Share This Article