રાજેશ વસાવે :- દાહોદ
દાહોદના 6 પોલીસ સ્ટેશનમાં પકડાયેલા 3.39 કરોડના દારૂની દફનવિધિ,
ઝાલોદ ડિવિઝનમાં સમાવિષ્ટ અલગ અલગ પોલીસ મથકોમાં પકડાયેલા વિદેશી દારૂનો નાશ કરાયો.
ડ્રોન કેમેરા તેમજ પોલીસ બંદોબસ્ત વચ્ચે રાજગઢના ખુલ્લા મેદાનમાં કાર્યવાહી હાથ ધરાઈ.
દાહોદ તા.૦૯

ઝાલોદ ડિવિઝનમાં સમાવિષ્ટ છ પોલીસ સ્ટેશન વિસ્તારોમાંથી છેલ્લા બે વર્ષ દરમિયાન પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલ 33,9,48,598 નો વિદેશી દારૂ કોર્ટની મંજૂરી મળ્યા બાદ રાજપુર મુકામે ખુલ્લા મેદાનમાં તમામ વિદેશી દારૂ ઉપર બુલડોઝર ફેરવી વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

ઝાલોદ ડિવિઝન પોલીસ દ્વારા નશાબંધીના ગુનાઓ સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં વર્ષ 2024-25 દરમિયાન ઝાલોદ ડિવિઝનમાં સમાવિષ્ટ ઝાલોદ, લીમડી, ફતેપુરા, સુખસર, સંજેલી અને ચાકલીયા પોલીસ સ્ટેશન વિસ્તારોમાંથી વિવિધ પ્રોહીબિશન કેસોમાં જપ્ત કરાયેલા કરોડો રૂપિયાના વિદેશી દારૂનો કોર્ટની મંજૂરી બાદ નાશ કરવામાં આવ્યો છે. જેમાં બોટલો નંગ.92,485 જેની કુલ કિંમત રૂપિયા 33,9,48,598 નો વિદેશી દારૂને રાજપુર મુકામે ખુલ્લા મેદાનમાં JCB મશીન વડે દફનવિધિ કરીને નષ્ટ કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યવાહી દરમિયાન ડ્રોન કેમેરા દ્વારા દેખરેખ રાખવામાં આવી હતી તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેમાં સૌથી વધુ દારૂ ઝાલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડાયો હતો. ગુજરાતમાં દારૂબંધીની કડક અમલવારીને ધ્યાનમાં રાખીને દાહોદ જિલ્લા પોલીસ નશાબંધી સામે ઝીરો ટોલરેન્સની નીતિથી કાર્ય કરી રહી છે. દાહોદ જિલ્લા પોલીસ હવે ડિજિટલ રીતે સજ્જ થઈ છે અને રાજસ્થાન તથા મધ્યપ્રદેશની સરહદ વિસ્તારોમાં ડ્રોન કેમેરા દ્વારા પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. સાથે જ રાજસ્થાન અને મધ્યપ્રદેશની ચેકપોસ્ટ પર સીસીટીવી કેમેરા દ્વારા સતત સર્વેલન્સ રાખવામાં આવી રહ્યું છે. પોલીસ ટેકનોલોજી અને બાતમીદારોના મજબૂત નેટવર્કના આધારે રાજસ્થાન અને અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં લઈ જવાતો વિદેશી દારૂ અને માદક પદાર્થો ઝડપી પાડવામાં આવી રહ્યા છે. દાહોદ જિલ્લા પોલીસ ગુજરાતની અસ્મિતા અને અખંડતાને સુરક્ષિત રાખવા પ્રતિબદ્ધ હોવાનું પણ જણાવ્યું છે. આ કાર્યવાહીમાં પ્રાંત અધિકારી એ.કે. ભાટીયા, ડી.વાય.એસ.પી ડી.આર. પટેલ સહિત વરિષ્ઠ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા.
