રાજેશ વસાવે :- દાહોદ
આદિવાસીઓ સાથે છેતરપિંડી:રોકાણ અને રોજગારના નામે કરોડો કમાવાનું કાવતરું.
દાહોદમાં સમૃદ્ધ જીવન ફૂડસ કંપનીની ઠગાઈનો ભાંડાફોડ:કંપનીની મહિલા ડિરેક્ટર ટ્રાન્સફર વોરંટથી ધરપકડ..
ઠગાઈના પ્રકરણમાં મહારાષ્ટ્ર પુનાના ભેજાબાજોની સંડોવણી, કુલ 7 સામે નામજોગ ગુનો નોંધાયો…
દાહોદ તા.૦૪

દાહોદ શહેરમાં સમૃદ્ધ જીવન ફૂડસ ઇન્ડિયા લિમિટેડ નામક કંપની દ્વારા 102 જેટલા ખાતેદારો દ્વારા કંપનીમાં રોકાણ કરવામાં આવેલ કુલ રૂપિયા 29,24,310 નું ફૂલેકું ફેરવી રફુચક્કર થયેલા કંપનીના માલિક સહિત સંકળાયેલા અન્ય ઇસમો વિરુદ્ધ દાહોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી હતી જેના પગલે પોલીસે કંપનીના મહિલા ડિરેક્ટરની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી છે.પોલીસે અગાઉ દાહોદના એજન્ટ તેમજ કંપનીના અન્ય એક કર્મચારીની ધરપકડ કરી હતી.જોકે બીજી તરફ આ કાવતરામાં સામેલ અન્ય ઇસમોના પોલીસે ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

દાહોદમાં આશરે 15 વર્ષ અગાઉ એટલે કે 2011 થી 2016 દરમિયાન મહારાષ્ટ્ર પુણેની ભેજાબાજ ટોળકીએ મધ્ય ગુજરાતના આદિવાસી ક્ષેત્ર ગણાતા દાહોદમાં સમૃદ્ધ જીવન ફૂડસ ઇન્ડિયા લિમિટેડ નામક કંપની ઉભી કરી હતી. આ કંપની દાહોદના કોર્ટ રોડ ફાયર સ્ટેશનની સામે શરૂ કરવામાં આવી હતી. જેમાં એમાં નાના અને મધ્યમ વર્ગના લોકોને આ કંપનીમાં રોકાણ કરી બચતના નામે 16% જેટલું વ્યાજ આપવાની લાલચ આપી દાહોદ શહેર સહીત જિલ્લાભરના 102 ખાતેદારોનું અધધ.. 29,24,310 રૂપિયાનો ફૂલેકું ફેરવી કંપનીના કહેવાતા ડાયરેક્ટર, પ્રમુખ સહિત તમામ રાતોરાત આ ઓફિસને તાળા મારી ફરાર થઈ ગયા હતા. જે બાદ ઠગાઈનો ભોગ બનેલા 102 ખાતેદારો પૈકી ગીતાભાઈ પ્રતાપભાઈ મકવાણાએ ગત તારીખ 09.10.2024 ના રોજ દાહોદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે ઘનિષ્ટ તપાસના અંતે આખરે ટોળકીના મુખ્ય ભેજાબાજ અને ઊભી કરાયેલી કંપનીના પ્રમુખ મહેશ કિશન માતેવાર (રહે.ગણરાજ હાઈટ્સ પુના મહારાષ્ટ્ર)ની બીજી પત્ની અને કંપનીને ડાયરેક્ટર લીના મહેશ માતેવારને ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી છે. આ ટોળકીમાં સામેલ મુખ્ય ભેજાબાજ મહેશ માતેવાર સહિત તેની પત્ની લીના માતેવર , સુનિતા કિરણ થોરાટ, રહેવાસી માણકબાગ સિંગગઢ પુના તથા સુરત પોલીસના હાથે પકડાયેલા મહેશ વસંત ગડે (રહે.માણકબાગ સિંગગઢ), રજની ઠાકોર (રહે.પુના), પ્રસાદ કિશોર પાસવાર (રહે.પુના) તથા દાહોદના ગોવિંદ નગર વિસ્તારમાં રહેતા સંજય નરેશ ચોપડા સહિતના લોકો આ કંપનીમાં લોકો સાથે ઠગાઈ કરવામાં સામેલ હતા. આ પ્રકરણમાં અગાઉ દાહોદના સંજય નરેશ ચોપડા, મહારાષ્ટ્ર પુનાના મહેન્દ્ર વસંત ગડે તેમજ આજરોજ કંપનીની ડાયરેક્ટર લીના મહેશ માથેવરની ધરપકડ કરી લીધી છે. હવે પોલીસ આ સમગ્ર પ્રકરણમાં તલસ્પર્શી તપાસ હાથ ધરશે અને આ કૌભાંડમાં સામેલ અન્ય લોકો ક્યાં છે તેમને પકડવા માટે ચક્રો ગતિમાન કરશે. ઉપરોક્ત ઠગ ટોળકી એ દાહોદના આદિવાસી લોકો સાથે ઠગાઈ કરી હતી આ ઉપરાંત દેશના અલગ અલગ રાજ્યોમાં વિવિધ શહેરોમાં આ પ્રકારની કંપની ઊભી કરી સંખ્યાબંધ લોકો સાથે છેતરપિંડી આચરી છે. જમા પશુપાલન , તબેલા, ધંધા રોજગાર માટેની સ્કીમો, લોન સહિત અલગ અલગ પ્રકારના પ્રલોભનો આપી લોકો સાથે છેતરપિંડી કરી છે. આ ઉપરાંત તેઓએ કંપનીનો કેટલોક પણ લોન્ચ કર્યો હતો જેમાં વિવિધ શહેરોમાં સેમિનાર અને કાર્યક્રમો યોજી લોકો સાથે ઠગાઈ કરવા માટે કડ્યંત્ર રચવામાં આવતું હતું. લોકોને પોતાના આવા પ્રકારના સેમિનારો અને કાર્યક્રમમાં બોલાવી કંપની વિશે જાણ કરી તેમને લોબામણી લાલચો આપવામાં આવતી હતી. અને તેમની સાથે છેતરપિંડી પણ આચારવામાં આવતી હતી. અને સાથે જ આ કાર્યક્રમનો પ્રસારણ સ્થાનિક અખબારોમાં કરી સાચેજ તેઓ લોકોનું ભલું કરવા અથવા લોકોને પ્રોફિટ કરાવવા માટે કંપની ચલાવતા હોવાનો પ્રપંચ ઉભો કરી લોકોને આકર્ષિત કરતા હતા અને તેમની માયાજાળમાં ફસાતા લોકો સાથે પૈસા પડાવી છેતરપિંડી આચરી અન્ય શહેરોમાં ભાગી જતા હતા.
