નગરપાલિકા દ્વારા શરૂ કરાયેલી દબાણ હટાવ કામગીરી અચાનક બંધ થતા રાજકીય દબાણ કારણભૂત.?
ઝાલોદમાં મોટા ઉપાડે શરૂ થયેલી ડિમોલેશનની કામગીરી ઉપર પ્રાંત અધિકારીના સ્ટે થી લાગી બ્રેક.!
મશીનો સાથે દબાણ તોડવા ગયેલી નગરપાલિકાની ટીમ પરત ફરી: કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો.!
દાહોદ તા.03

ઝાલોદ શહેરમાં આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શરૂ થયેલી દબાણ હટાવો કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં પાલિકા દ્વારા વર્ષો જૂના દબાણો ઉપર બુલડોઝર ફેરવવાનું શરૂ કરતા અધવચ્ચે દબાણ કામગીરી સામે પ્રાંત અધિકારી દ્વારા સ્ટેનો આદેશ આવતા નગરપાલિકા તંત્ર દ્વારા નાટકીય રીતે દબાણ હટાવવાની કામગીરી અધવચ્ચે બંધ કરી પરત ફરતા પાલિકાની દબાણ હટાવ કામગીરી અંગે વિવિધ પ્રકારની ચર્ચાઓએ જન્મ લીધો છે. સાથે જ દબાણ હટાવ કામગીરી રાજકીય દબાણ કે અન્ય કયા કારણોસર અટકાવી દેવામાં આવી તેવા પ્રકારના સવાલો સાથે આ મુદ્દો દિવસ પર ટોક ઓફ ધ ટાઉન રહ્યો હતો.


ઝાલોદ શહેરમાં આજે તંત્ર દ્વારા દબાણ હટાવવાની મોટી કાર્યવાહી હાથ ધરાતા શહેરભરમાં ચકચાર મચી ગઈ છે. જેમાં ઝાલોદ નગરપાલિકા દ્વારા ઠુંઠી કંકાસીયા ચોકડી પર વર્ષોથી ચાલતા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
શહેરની વ્યસ્ત ઠુંઠી કંકાસીયા ચોકડી વિસ્તારમાં તંત્રનું ડીમોલેશન શરૂ થતા દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો. સવારના સમયે જે.સી.બી., ટ્રેક્ટરો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નગરપાલિકાની ટીમ મેદાનમાં ઉતરી હતી. અને વર્ષોથી ચાલી રહેલા દબાણો તોડી પાડવાની કાર્યવાહી શરૂ થતાં કેટલાક દબાણો જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા,


પરંતુ એ જ સમયે અચાનક વળાંક આવ્યો હતો. જેમાં દબાણ તોડવાની કામગીરી દરમિયાન ઝાલોદના પ્રાંત અધિકારી તરફથી ‘સ્ટે’નો આદેશ આવતા બુલડોઝર પર તાત્કાલિક બ્રેક લાગી હતી.જેના કારણે નગરપાલિકાની ટીમને અધૂરી કામગીરી સાથે પરત ફરવું પડ્યું.હવે સૌથી મોટો સવાલ એ છે કે જો દબાણો ખરેખર ગેરકાયદેસર હતા, તો છેલ્લી ઘડીએ સ્ટે કેમ અપાયો?

અને આ કાર્યવાહી કોના ઈશારે અટકાવી હતી.?શું આ પાછળ રાજકીય દબાણ છે કે પછી તંત્રની ગંભીર ખામી? જોકે હવે અર્ધ-તૂટેલા દબાણો અને અટવાયેલી કાર્યવાહી સાથે આ મુદ્દો હવે ઝાલોદમાં ટૉક ઓફ ધ ટાઉન બની ગયો છે
