અમૃત ભારત યોજનાથી રેલ્વે સ્ટેશનની કાયાપલટ,સાંસદના પ્રયાસોથી રેલવે ક્ષેત્રે દાહોદને મળ્યું કેન્દ્રમાં સ્થાન.!
દાહોદમાં વંદે ભારત,સૌરાષ્ટ્ર માટે ઇન્ટરસિટી અને મેમુ ટ્રેનો શરૂ કરવા ઉઠી માંગ..
85થી વધુ ટ્રેનોમાંથી 45 ટ્રેનોનું રોકાણ, છતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે રેલ સેવા અપૂરતી
ઇન્દોર–દાહોદ રેલમાર્ગ શરૂ થતાં જ જંકશન બનવાની દિશામાં:સિમેન્સ યુનિટ બાદ હવે રેલ કનેક્ટિવિટી વધારવા ઉઠી માંગ
દાહોદ તા.૦૩

રતલામ મંડળમાં સમાવિષ્ટ અને બે રાજ્યોની સરહદે આવેલા દાહોદમાં હવે રેલવે સુવિધાની બાબતો અંગે ઘણાખરા સુધારા જોવા મળી રહ્યા છે. જેના પગલે અમૃત ભારત યોજના અંતર્ગત આકાર પામી રહેલા દાહોદ રેલવે સ્ટેશન પર હવે ગરીબ અને મધ્યમ લોકો માટે લાઈફ લાઈન ગણાતી મેમુ અને ઇન્ટરસિટી જેવી ટ્રેન સેવાઓ ખૂબ જ સારી રીતે ચાલી રહી છે.જેનાથી રેલવેને તગડો નફો પણ મળી રહ્યો છે. સાથે અહીંયા થી પસાર થતી સુપરફાસ્ટ અને પ્રીમિયમ ટ્રેનોમાં પણ ફાળવવામાં આવેલા દાહોદ કોટાથી ટિકિટો હાઉસફુલ જઈ રહી છે.જેના લીધે હવે દાહોદ રેલવે સ્ટેશન ખાતે વધુ રેલ કનેક્ટિવિટી વધે સાથે જ અત્રેથી મુસાફરી કરતા દાહોદવાસીઓમાં હવે વંદે ભારત જેવી પ્રીમિયમ ટ્રેનો મળે તેમજ સૌરાષ્ટ્ર તરફ ની રેલ કનેક્ટિવિટી મળે તે માટેની જરૂરિયાત હવે ઊભી થઈ છે. આગામી ટૂંક સમયમાં ઇન્દોર દાહોદ રેલમાર્ગ શરૂ થતા જ દાહોદ જંકશનની શ્રેણીમાં આવી જશે.હવે દાહોદ રેલવે સ્ટેશન ખાતેથી પસાર થતી લાંબા અંતરની સુપરફાસ્ટ,રાજધાની, દુરંતો સંપર્કક્રાંતિ જેવી પ્રીમિયમ ટ્રેનોનો સ્ટોપેજ ફળવાય સાથે જ વંદે ભારત જેવી ટ્રેનોની સુવિધા મળે તેની સ્માર્ટ સિટી દાહોદમાં જરૂરિયાત ઊભી થઈ હોય તેવું જોવાઈ રહ્યું છે.

રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદે આવેલો દાહોદ રેલવેની બાબતોમાં ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે. અહીંયા એશિયાનું સૌથી મોટું કારખાનું, તેમજ હાલમાં જ નિર્માણ પામેલા સિમેન્સના રેલવે પ્રોડક્શન યુનિટની સ્થાપના થતાની સાથે જ રેલવે સંબંધી બાબતોમાં દાહોદનું નામ હવે ખૂબ જ રોશન થયું છે. અહીંયા દિન પ્રતિદિન રેલવેના કામકાજ અર્થે ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ, તેમજ વીઆઈપી લોકો દાહોદની મુલાકાતે આવી રહ્યા છે. સાથે જ દાહોદ તેમજ મધ્યપ્રદેશના અલીરાજપુર, ઝાબૂઆ,ધાર તથા રાજસ્થાનના બાસવાડા વિગેરે શહેરોમાંથી આદિવાસી લોકો સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતના વિવિધ ખૂણે મજૂરી અર્થે જવા માટે દાહોદ આવે છે. અને રેલ કનેક્ટિવિટીના અભાવે મોટાભાગના શ્રમિકો,મજૂરો, તેમજ સ્માર્ટ સિટી દાહોદમાં વસતા લોકો એસટી મારફતે મુસાફરી કરે છે. અને તેનામાં પણ બે ત્રણ દિવસ અગાઉથી રિઝર્વેશન કરાવવું પડે છે.એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવે છે. તેમ છતાં

લોકોને જોઈએ તેટલી ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે ટ્રાન્સપોર્ટેશનની કનેક્ટિવિટી મળતી નથી.પરંતુ હવે આ મામલામાં રેલવે પણ પાછળ નથી. દાહોદ નગરથી સ્માર્ટ સિટી દાહોદની યાત્રા દરમિયાન અમૃત ભારત સ્ટેશન અંતર્ગત રેલવે સ્ટેશનની કાયાપલટ થઈ છે. ઇન્દોર દાહોદ રેલમાર્ગ શરૂ થતા અહીંયાથી રેલી કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે.આજની પરિસ્થિતિએ દાહોદ રેલવે સ્ટેશનથી, 85 થી વધુ ટ્રેનો પસાર થાય છે જેમાં રાજધાની, દુરંતો, સુપરફાસ્ટ તેમજ મેલ એક્સપ્રેસ, મેમુ, ઇન્ટરસિટી જેવી ટ્રેનો દૈનિક, સાપ્તાહિક, તેમજ સીઝનેબલ ટ્રેનોનો સમાવેશ થાય છે. આ ટ્રેનો પૈકી 45 થી વધુ ટ્રેનો દાહોદ ખાતે રોકાણ કરે છે. હવે નગરમાંથી મહાનગર તરફ પ્રયાણ કરી રહેલા દાહોદમાં વધુ રેલ કનેક્ટિવ મજબૂત બને તે માટે જરૂરિયાત ઊભી થઈ છે.દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરના પ્રયાસોથી રેલવે સંબંધી બાબતોમાં દાહોદને કેન્દ્રમાં પ્રાધાન્ય મળ્યું છે. ઘણીખરી ટ્રેનોના સ્ટોપેજ પણ મળ્યા છે. તો ઘણીખરી ટ્રેનોના સ્ટોપેજ ટિકિટોની વહેંચણીના અભાવે માંગણી છતાં મળતા નથી. અધુરોમા પુરુ કોરોનાકાળમાં દાહોદ ખાતે રોકાણ કરતી બંધ પડેલી કેટલીક ટ્રેનો હજી સુધી શરૂ થઈ નથી. અને જે ટ્રેનો શરૂ થઈ ગઈ છે તે પૈકી કેટલીક ટ્રેનોના સ્ટોપેજ દાહોદ થી હટાવી દીધા છે.તેમ છતાં એ ઘણીખરી ટ્રેનોના સ્ટોપેજ માટે દાહોદના સાંસદ પ્રયાસ કરી રહ્યા છે. ખાસ કરીને મધ્યપ્રદેશ રાજસ્થાનના વિવિધ શહેરોમાંથી લોકો મેડિકલ ક્ષેત્રે, ખરીદી કરવા તેમજ વેપાર માટે ટ્રેનો મારફતે દાહોદ આવે છે. તો અહીંયાથી અમદાવાદ,સુરત, રાજકોટ,વડોદરા જેવા મહાનગરોમાં, વસવાટ કરી રહેલા દાહોદના લોકો તેમજ અહીંયાથી મજૂરી અર્થે ગુજરાતના વિવિધ શહેરોમાં જતા શ્રમિકો મર્યાદિત રેલ કનેક્ટિવિટીના લીધે એસટી બસ પર નિર્ભર છે. જો દાહોદ-અમદાવાદ,વચ્ચે મેમુ જેવી લોકલ ટ્રેન અથવા દાહોદ-રાજકોટ,ભાવનગર જવા માટે ઇન્ટરસિટી જેવી ટ્રેનો શરૂ કરવામાં આવે તો દક્ષિણ અને ઉત્તર ગુજરાત માટે દાહોદ થી રેલ કનેક્ટિવિટી મજબૂત થશે,અહીંયાના લોકોને ટ્રેનોનો વિકલ્પ મળશે, રેલવેનું રેવન્યુ પણ વધશે.સાથે જ ઇન્દોર,અમદાવાદ સુરત, જે હવે ઔદ્યોગિક શહેરો માટે સુખ્યા થયા છે. મોટા કારખાનાઓ આ મહાનગરોમાં આકાર પામ્યા છે. આ મહાનગરોને જોડતી ટ્રેનો હાઉસફુલ જઈ રહી છે. તાજેતરમાં ઇન્દોર વચ્ચે શરૂ થયેલી સ્પેશિયલ તેજસ ટ્રેનને સફળતા મળતા રેલવેએ તેનું સંચાલનના દિવસો વધારી દીધા છે.એક્સ્ટેંશન પણ આપ્યા છે. આવા સંજોગોમાં જો ઈન્દોર અમદાવાદ, ઇન્દોર સુરત ઉધના અથવા ઇન્દોર મુંબઈ વચ્ચે વંદે ભારત જેવી પ્રીમિયમ ટ્રેન શરૂ કરવામાં આવે તેવી માંગણી હવે ઉઠવા લાગી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિલમાં દાહોદ છે.તેઓની દાહોદ પ્રત્યે અમીદ્રષ્ટિના કારણે મોટા મોટા પ્રોજેક્ટ દાહોદમાં આપ્યા છે. જો વંદે ભારત જેવી પ્રીમિયમ ટ્રેન શરૂ કરી દાહોદ ખાતે સ્ટોપેજ ફાળવવામાં આવે તેવી સમયની માંગ છે. હવે આ મુદ્દે દાહોદના સાંસદ રજૂઆતો કરે અને દાહોદને પણ વંદે ભારત જેવી પ્રીમિયમ ટ્રેન મળે, સાથે જ અમદાવાદ સૌરાષ્ટ્ર માટે મેમો તેમજ ઇન્ટરસિટી ટ્રેન મળે તેવી લાગણી અને માંગણી જિલ્લાવાસીઓમાં ઉદભવવા પામી છે.
