દક્ષેશ ચૌહાણ :- ઝાલોદ
દાહોદ જિલ્લાના ચાકલીયા પોલીસ મથકના ASI પર 50 લોકોના ટોળાનો હુમલો: અકસ્માત બાદ પોલીસે પંચનામુ કરતા પરિવારજનો ઉશ્કેરાયા, 18 આરોપીઓની ધરપકડ, કોર્ટે 24 કલાકના રિમાન્ડ મંજૂર કર્યા
દાહોદ તા. ૨૮
દાહોદ જિલ્લાના ચાકલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરજ પરના ASI સુભાષ નિનામા પર 50 લોકોના ટોળાએ હુમલો કર્યો હતો. અકસ્માતમાં મૃત્યુ પામેલા બાઇકચાલકના પરિવારજનો પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ લઈ જવા સામે ઉશ્કેરાયા બાદ આ ઘટના બની હતી. હુમલામાં ASI ગંભીર રીતે ઘાયલ થયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ચાકલીયામાં ફોરવ્હીલર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં બાઇકચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસને જાણ થતાં તેઓ સ્થળ પર પહોંચ્યા હતા અને પંચનામું કરીને વાહનો હટાવ્યા હતા. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પેથાપુર CHC લઈ જવાની કાર્યવાહી શરૂ કરી હતી.આ દરમિયાન, મૃતકના પરિવારજનો અને અન્ય લોકો ઉશ્કેરાયા હતા. તેઓએ મૃતદેહનો સ્થળ પર જ નિકાલ કરવાની માંગ કરી હતી અને પોલીસ કર્મચારીઓ સાથે બોલાચાલી કરી હતી.
બોલાચાલી ઉગ્ર બનતા લગભગ 50 લોકોના ટોળાએ ASI સુભાષ નિનામા પર લાકડીઓ, લોખંડના પાઇપ અને પથ્થરો વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ASIને શરીર અને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી, જેથી તેમને તાત્કાલિક ઝાલોદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અન્ય પોલીસ કર્મચારીઓ સાથે પણ ગાળાગાળી કરવામાં આવી હતી.
હુમલાની જાણ થતાં ચાકલીયા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર સંદીપ વસાવા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ચાકલીયા પોલીસે આશરે 50 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી અને તાત્કાલિક કાર્યવાહી કરીને 18 આરોપીઓની ધરપકડ કરી હતી. આ તમામ આરોપીઓને ઝાલોદ કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેમને 24 કલાકના રિમાન્ડ પર સોંપ્યા હતા. હાલ પોલીસની ટીમો ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે સઘન તપાસ અને કાર્યવાહી કરી રહી છે. વધુ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે.