રાજેશ વસાવે :- દાહોદ
દાહોદમાં અણધાર્યો વરસાદ, ડાંગરના પાકને નુકસાન: ઝાલોદમાં 15, ગરબાડામાં 12 મિ.મી. વરસાદ, ખેડૂતો ચિંતામાં.
દાહોદ તા. ૨૭

શિયાળાની શરૂઆતમાં દાહોદ જિલ્લામાં અચાનક હવામાન પલટાતા ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, ગઈકાલથી વાદળછાયું વાતાવરણ હતું અને હળવો વરસાદ પડ્યો હતો. આજે વહેલી સવારે 4:00 થી 8:00 વાગ્યા દરમિયાન જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ધીમીધારે અને ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ અણધાર્યા વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે અને ખેડૂતોને નુકસાન થયું છે.

જિલ્લાના વિવિધ તાલુકાઓમાં સવારે 4:00 થી 8:00 વાગ્યા દરમિયાન 4 કલાક મા નોંધાયેલા વરસાદના આંકડા મુજબ, ઝાલોદમાં સૌથી વધુ 15 મિ.મી., ગરબાડામાં 12 મિ.મી., સિંગવડમાં 10 મિ.મી., ફતેપુરા અને ધાનપુરમાં 8 મિ.મી., દાહોદ, દેવગઢ બારીયા અને સંજેલીમાં 7 મિ.મી., તેમજ લીમખેડામાં 6 મિ.મી. વરસાદ નોંધાયો છે.આ અણધાર્યા વરસાદે ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે.હાલ ડાંગરના પાકની લણણીનો સમય છે, ત્યારે તૈયાર થયેલા પાકને ભારે નુકસાન થયું છે. ચોમાસા દરમિયાન મકાઈના પાકને પણ નુકસાન થયું હતું, અને હવે ડાંગરના પાકનું નુકસાન ખેડૂતો માટે મોટો આર્થિક ફટકો સાબિત થયું છે.વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા, જેના લીધે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. શિયાળાની ઠંડી, દિવસની ગરમી અને હવે વરસાદથી લોકોને એકસાથે ત્રણ ઋતુઓનો અનુભવ થઈ રહ્યો છે.આ બદલાતા હવામાનને કારણે શરદી, ઉધરસ જેવા રોગચાળાનો ખતરો પણ વધ્યો છે.હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ હળવા વરસાદની આગાહી કરી છે, જેના કારણે ખેડૂતો અને સ્થાનિક લોકોમાં ચિંતા વધી છે. જિલ્લા વહીવટીતંત્રે ખેડૂતોને તેમના પાકના નુકસાનનું મૂલ્યાંકન કરવા અને લોકોને બદલાતા હવામાનમાં સાવચેતી રાખવા અને આરોગ્યનું ધ્યાન રાખવા અપીલ કરી છે.