દાહોદ તેમજ આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ:મકાઈ, સોયાબીન સહિતના તૈયાર પાકને નુકસાનની ભીતિ
દાહોદ તા. ૨૨
દાહોદ જિલ્લામાં દિવાળીના દિવસે ઓચિંતુ વાતાવરણમાં પલટું આવ્યું હતું. બપોરના સમયે વાદળછાયુ વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ વરસ્યો હતો.દાહોદ તેમજ ગરબાડા તાલુકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આજે કમોસમી વરસાદથી લોકો મૂંઝવણમાં મુકાયા હતા. ખાસ કરીને આ માવઠાથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે, કારણ કે તેમના તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
હાલમાં ખેતરોમાં મકાઈ, સોયાબીન અને અન્ય પાક લણણી માટે તૈયાર છે. કેટલાક ખેડૂતોએ લણણી કરેલો પાક ખેતરમાં જ પાથરી રાખ્યો હતો. અચાનક વરસેલા વરસાદને કારણે આ પાક ભીંજાઈ ગયો છે, જેનાથી મોટા નુકસાનનો ભય છે. આશ્ચર્યજનક રીતે દાહોદ શહેરના અમુક વિસ્તાર કોરાધોકાર હતા. ત્યારે અમુક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. તો બીજી તરફ ગરબાડામાં તો ચોમાસાનો માહોલ જામ્યો હોય તેવી પરિસ્થિતિ જોવા મળી હતી.