દાહોદ:મહિલાઓના હકો-અધિકારો બાબતે વધુ એક શોર્ટફિલ્મનું કલેક્ટર ડો હર્ષિત ગોસાવીની ઉપસ્થિતિમાં લોન્ચિંગ કરતા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોયસર

Editor Dahod Live
2 Min Read

મહિલાઓના હકો-અધિકારો બાબતે વધુ એક શોર્ટફિલ્મનું કલેક્ટર ડો હર્ષિત ગોસાવીની ઉપસ્થિતિમાં લોન્ચિંગ કરતા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોયસર

મહિલાઓ સામેના અત્યાચાર વિરૂદ્ધ લોકજાગૃતિ-લોકશિક્ષણ અતિઆવશ્યક – કલેક્ટરશ્રી

દાહોદ, તા. ૭

દાહોદમાં મહિલાઓના શોષણ સામેના હકો, કાયદાકીય ઉપાયો તેમજ અંધશ્રદ્ધા નાબુદી જેવા વિવિધ લોકજાગૃતિના વિષયો પર જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીના માર્ગદર્શનમાં બની રહેલી શોર્ટફિલ્મો પૈકી આજે વધુ એક શોર્ટ ફિલ્મ – ‘એક તક તો આપ મને’નું કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની ઉપસ્થિતિમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોયસરે લોન્ચિંગ કર્યું હતું. 

 

આ અવસરે કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ જણાવ્યું કે, મહિલાઓના શોષણ, અત્યાચાર કરનારા લોકો સામું તંત્ર દ્વારા કડક પગલા લેવામાં આવશે. જિલ્લામાં આ બાબતે ઘણી જાગૃતિની જરૂરિયાત છે. આ શોર્ટ ફિલ્મો દ્વારા મહિલાઓના અધિકારો, તેમજ કાયદાકીય રક્ષણ સહિતની બાબતો આવરી લઇને સચોટ ટૂંકી ફિલ્મો બની છે. જિલ્લામાં મહિલા સશક્તિકરણના ઉદ્દેશથી જ મહિલા સુરક્ષા સમિતિઓને ફરીથી શરૂ કરવામાં આવી છે. જિલ્લામાં મહિલાઓ વિરૂદ્ધ કે અન્ય કોઇ પણ અઇચ્છનિય ઘટના બને તો સૌ પ્રથમ પોલીસની જ મદદ લેવી જોઇએ. 

 જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જોયસરે જણાવ્યું કે, જિલ્લામાં મહિલાઓના શોષણ સહિતના વિવિધ વિષયો પર લોકજાગૃતિ અર્થે બનનારી આ ચોથી શોર્ટ ફિલ્મ છે. જિલ્લામાં કયાંય પણ શોષણની કે અત્યાચારની ઘટના બની છે, જિલ્લા પોલીસ દ્વારા તુરત કાર્યવાહી કરવામાં આવી છે અને જરૂર પડી ત્યાં ફરિયાદી બનીને પણ કાર્યવાહી કરવામાં આવી છે. મહિલાઓ વિરૂદ્ધ આવ બનાવો ન બને એ માટે જિલ્લામાં પોલીસ દ્વારા સઘન અભિયાન ચાલી રહ્યું છે, આ શોર્ટ ફિલ્મો તેનો જ એક ભાગ છે. લોકજાગૃતિ માટે જિલ્લા પોલીસે ફળિયે ફળિયે જઇને ૭૫૯ જેટલી બેઠકો પણ યોજી છે. આ ઉપરાંત પણ લોકશિક્ષણ-લોકજાગૃતિના આ પ્રયાસો ચાલુ રહેશે.

  આ પ્રસંગે ઉપસ્થિત અધિકારીશ્રીઓ, નાગરિકોએ ટૂંકી ફિલ્મને રસપૂર્વક નિહાળી હતી. જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની કચેરીએ યોજાયેલા કાર્યક્રમમાં નાયબ પોલીસ અધિક્ષક શ્રી પરેશ સોલંકી, નાયબ પોલીસ અધિક્ષક લીમખેડા શ્રી રાજેન્દ્ર દેવધા, લોકલ ક્રાઇમ બ્રાન્ચ પી.આઈ શ્રી બી.ડી. શાહ,જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી શાંતિલાલ, શોર્ટફિલ્મના નિર્દેશક શ્રી અબ્દુલ કુરેશી સહિતની સમગ્ર ટીમ, સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા. 

Share This Article