
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડામાં પોલીસ 56 વાહનોની હરાજી કરવામાં આવી.
હરાજીમાં 110 વેપારીઓએ ભાગ લીધો હતો :
ગરબાડા તા. ૨૮
ગરબાડા પોલીસ સ્ટેશનમાં વર્ષો થી પડેલા 56 જપ્ત કરેલા વાહનોની હરાજી થઈ હતી. કુલ 9.31 લાખની આવક નોંધાઈ હતી. હરાજી પ્રક્રિયા રેન્જ આઇજી આર.વી. અસારીની સૂચનાના આધારે અને એસપી રવિરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. હરાજી માટે ખાસ કમિટી રચવામાં આવી હતી. જેમાં દાહોદના ડીવાયએસપી જે.પી. ભંડારી, ગરબાડા પીઆઇ આર.એમ. રાદડીયા,આરટીઓ સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતાં. ગરબાડાની રેફરલ હોસ્પિટલના પ્રાંગણમાં આયોજિત આ હરાજીમાં કુલ 110 જેટલા વેપારીઓએ ભાગ લીધો હતો. હરાજીમાં જપ્ત કરેલા નાના અને મોટા કુલ 56 વાહનોની અપસેટ વેલ્યુ ₹ 4,17,500 રાખવામાં આવી હતી. હરાજી દરમિયાન વેપારીઓ વચ્ચે બોલી દરમિયાન ભારે રસાકસી જોવા મળી. હરાજીનું અંતે ગોધરાના બદરે આલમ મોહમ્મદ કંકોડીએ સૌથી વધુ બોલી ₹ 9.31 લાખ લગાવી હરાજી જીતી હતી. આ હરાજી લાંબા સમયથી પડેલા જપ્ત વાહનોની વિતરણ પ્રક્રિયાને પારદર્શક રીતે પૂર્ણ કરવા માટે યોજવામાં આવી હતી. આ કામગીરીના માધ્યમથી સરકારી ખજાનામાં મહત્વપૂર્ણ આવક જમા થઈ હતી અને સ્થાનિક વેપારીઓને વાહન ખરીદવાની તક મળી હતી.