રાજેશ વસાવે :- દાહોદ
દાહોદમાં પેટ્રોલિયમ પદાર્થના વેચાણ અને સંગ્રહ માટે સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ ની કચેરીએ જાહેરનામું બહાર પાડ્યું.
દાહોદ તા. 17
દાહોદ પ્રાંત કચેરી દ્વારા વેપારીઓ માટે એક મહત્વની જાહેર સૂચના બહાર પાડવામાં આવી છે.જેમાં એક્સપ્લોસિવ એક્ટ, 1884 તથા પેટ્રોલિયમ એક્ટ, 2008 મુજબ દાહોદ જિલ્લામાં પેટ્રોલિયમ પદાર્થોનું વેચાણ અને સંગ્રહ કરવા માટે ફરજીયાત લાઈસન્સ તેમજ ફાયર NOC લેવાની જરૂરિયાત છે.આ માટે પ્રાંત કચેરી દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ, 1 ઑક્ટોબર 2025 થી જો કોઈ વેપારી માન્ય લાઈસન્સ વિના પેટ્રોલિયમ પદાર્થોનું વેચાણ કરશે, તો તેના સામે કાનૂની કાર્યવાહી હાથ ધરાશે. એક્સપ્લોસિવ એક્ટ અંગે સરકાર તરફથી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે લાઈસન્સ ન ધરાવતા વેપારીઓએ તરત જ અરજી પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે.જેમાં અરજદાર વેપારીઓને આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અથવા અન્ય માન્ય ઓળખપત્ર,દુકાનના ભાડાપત્ર અથવા દુકાન પોતાની હોવાના પુરાવા,નગરપાલિકા / ગ્રામ પંચાયતનું પ્રમાણપત્ર (NOC),આગ સુરક્ષા વિભાગનું NOC (Fire NOC), તેમજ રૂ. 3,000/- સુધીની સરકારી ફી ભરપાઈની રસીદ જમા કરાવવાની રહેશે.સાથે જ વેપારીઓએ એ પણ સુનિશ્ચિત કરવું પડશે કે તેમનું દુકાન આગ સુરક્ષા તેમજ કાનૂની નિયમો મુજબ સુસજ્જ છે. આ મામલે પ્રાંત અધિકારી દ્વારા જણાવાયું છે કે માન્ય લાઈસન્સ વિના પેટ્રોલિયમ પદાર્થોનું વેચાણ કરનારાઓ સામે દંડાત્મક પગલાં લેવાશે તેમજ કાનૂની કાર્યવાહી પણ થશે.જોકે આ નોટિસ સાથે વેપારીઓને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ તાત્કાલિક જરૂરી દસ્તાવેજો સાથે અરજી પૂર્ણ કરે જેથી કાયદેસરની રીતે વેપાર ચાલુ રાખી શકે છે.
