દાહોદમાં રેવન્યુ તલાટી પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન:76.52% પરીક્ષાર્થીઓની હાજરી,  કડક પોલીસ બંદોબસ્ત સાથે 30 શાળાઓમાં પરીક્ષા યોજાઈ

Editor Dahod Live
3 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદમાં રેવન્યુ તલાટી પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન:76.52% પરીક્ષાર્થીઓની હાજરી, 

કડક પોલીસ બંદોબસ્ત સાથે 30 શાળાઓમાં પરીક્ષા યોજાઈ

દાહોદ તા. 14

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા રેવન્યુ તલાટીની પ્રિલિમિનરી પરીક્ષા દાહોદ જિલ્લાના દાહોદ તાલુકામાં આજે શાંતિપૂર્ણ રીતે યોજાઈ હતી. દાહોદ તાલુકાની 30 શાળાઓમાં 304 બ્લોકની વ્યવસ્થા સાથે આયોજિત આ પરીક્ષા માટે કુલ 9103 પરીક્ષાર્થીઓએ નોંધણી કરાવી હતી. આમાંથી 6966 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા, જ્યારે 2137 પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા, જેના પરિણામે 76.52% હાજરી નોંધાઈ. દાહોદ જિલ્લા શિક્ષણ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા પરીક્ષાને સરળ અને નિયમબદ્ધ રીતે યોજવા માટે સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી હતી.

પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ કે અનિચ્છનીય બનાવ ન બને તે માટે પરીક્ષા કેન્દ્રો ઉપર પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ ચુસ્ત વ્યવસ્થાને કારણે પરીક્ષા શાંતિપૂર્ણ અને સુચારૂ રીતે પૂર્ણ થઈ. પરીક્ષા કેન્દ્રો ઉપર પૂરતી સુવિધાઓ અને શાંત માહોલ જળવાઈ રહ્યો, જેની પરીક્ષાર્થીઓએ પણ પ્રશંસા કરી.

પરીક્ષા આપ્યા બાદ પરીક્ષાર્થીઓએ પેપર અંગે મિશ્ર પ્રતિભાવ આપ્યા. મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર ગામની વિદ્યાર્થીની નીલમ કુમારી સિસોદિયાએ જણાવ્યું, “આજનું રેવન્યુ તલાટીનું પેપર એવરેજ સારું હતું. જોકે, રેવન્યુ તલાટીની ભરતી માટે બે પરીક્ષાઓ (પ્રિલિમિનરી અને મેન્સ) હોવાને બદલે એક જ પરીક્ષા યોજાય અને તેના આધારે નિયુક્તિ કરવામાં આવે તો વધુ સારું રહે. પરંતુ આ સરકારનો નિર્ણય છે, એટલે આપણે તેનું પાલન કરવું પડે.”જોકે દાહોદમાં પરીક્ષા આપવા આવેલા અન્ય એક પરીક્ષાર્થી અંકુર ભોઈએ જણાવ્યું, “આજનું પેપર ખૂબ જ મુશ્કેલ હતું, અને આવા પેપર નીકળવા જ જોઈએ જેથી યોગ્ય અને હોશિયાર ઉમેદવારોને રેવન્યુ તલાટી બનવાની તક મળે. પરંતુ, પરીક્ષા કેન્દ્રો દૂર હોવાને કારણે ઘણા પરીક્ષાર્થીઓ આવી શક્યા નથી. જો સ્થાનિક પરીક્ષા કેન્દ્રોની વ્યવસ્થા થાય તો વિદ્યાર્થીઓની મુશ્કેલી ઘટી શકે.”વધુ એક પરીક્ષાર્થી મિલન જોશીએ જણાવ્યું, “પેપર થોડું સરળ અને થોડું મુશ્કેલ હતું, પરંતુ મેં સારી તૈયારી કરી હતી. મને આશા છે કે હું આ પરીક્ષામાં પાસ થઈશ અને મેન્સ પરીક્ષા આપવાની તક મળશે.”આ પ્રિલિમિનરી પરીક્ષામાં સફળ થનારા ઉમેદવારોને મેન્સ પરીક્ષા આપવાની તક મળશે, જે રેવન્યુ તલાટીની ભરતી પ્રક્રિયાનો બીજો તબક્કો હશે. દાહોદ જિલ્લાના વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગની ચોક્કસ આયોજન અને કાર્યક્ષમતાને કારણે પરીક્ષા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો, ન તો કોઈ ગેરરીતિની ફરિયાદ સામે આવી. આ પરીક્ષાનું સફળ સંચાલન દાહોદ જિલ્લાના વહીવટની કામગીરીની પ્રશંસનીય ઉદાહરણ છે.

Share This Article