મહેન્દ્ર ચારેલ :- સંજેલી
સ્માર્ટ સિટી અને અંતરીક્ષના સપનાઓ વચ્ચે,સંજેલીના બાળકો હજુ શિક્ષણ માટે નદીપાર કરવા મજબૂર”
“ઢાલસીમલ ગામના વિદ્યાર્થીઓનો સંઘર્ષ – પુલના અભાવે દરરોજ જીવના જોખમે શાળાનો માર્ગ”
દાહોદ તા. 13

સંજેલી તાલુકાના ઢાળસીમલ ગામે શ્યામસુંદર નદી ઉપર નદી ઉપર બનાવેલું નાળુ પ્રથમ વર્ષે ધોવાઈ ગયું છે. આ નાળું ધોવાઈ જતા ત્રણ ગામોને જોડતો આ માર્ગ ની સાથે વિસ્તારના લોકોની સુવિધા અને સુખાકારી પણ ભ્રષ્ટાચાર ની ભેટ ચડી ગયા છે. જેના કારણે શાળાએ જતા વિદ્યાર્થીઓ આ વિસ્તારના લોકો જીવના જોખમે નદી પાર કરી રહ્યા છે.તેમજ ભણતર અને અન્ય મૂળભૂત સુવિધાઓ મેળવવા માટે સંઘર્ષ કરતા નજરે પડી રહ્યા છે.
ભારત આજે ચાંદ પર પહોંચી ગયું છે અને હવે અંતરીક્ષમાં માનવીને યાન દ્વારા મોકલવાની તૈયારી કરી રહ્યું છે. દેશ આઝાદી ના અમૃત કાળ માંથી પસાર થઈ રહ્યો છે. દાહોદને સ્માર્ટ સિટી તેમજ સંજેલીને સ્માર્ટ તાલુકો જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ આ તમામ વિકાસના દાવાઓ વચ્ચે કેટલીક તસવીરો હચમચાવી મૂકે તેવી સામે આવી રહી છે. જેમા સંજેલી તાલુકાના ઢાલસીમલ ગામના બાળકો રોજ અભ્યાસ મેળવવા માટે જીવના જોખમે નદી પાર કરી રહ્યા છે. ભારે વરસાદને કારણે અઠવાડિયા સુધી શાળા બંધ રહી, અને હવે પાણીનું વહેણ થોડું ઘટતા 40 થી વધુ નાના ભૂલકાઓ દરરોજ શિક્ષણ માટે નદીના વહેણમાં ઝઝૂમતા જોવા મળી રહ્યા છે.ઢાલસીમલ, ધમેડા, સગડાપાડા જેવા ગામના વિદ્યાર્થીઓ માટે કોઈ પુલ ન હોવાથી આ સ્થિતિ સર્જાઈ છે. અનેકવાર રજૂઆત કરવા છતાં અધિકારીઓ અને પદાધિકારીઓ તરફથી કોઈ પગલા લેવામાં આવ્યા નથી. પરિણામે માતા-પિતા ભારે દિલથી બાળકોને જોખમી રસ્તે શાળાએ મોકલવા મજબૂર બન્યા છે.સ્માર્ટ સિટી અને સ્માર્ટ તાલુકાના દાવાઓ વચ્ચે, આવી તસ્વીરો સરકારના વિકાસના વાયદાઓ ઉપર મોટા સવાલો ઉભા કરે છે. દેશનો ભવિષ્ય બનનાર આ બાળકો આજે શિક્ષણ જેવી મૂળભૂત સુવિધા માટે સંઘર્ષ કરી રહ્યા છે, જે ગવર્નન્સ અને સિસ્ટમ પર સીધો પ્રશ્નચિહ્ન મૂકે છે.
*નદીમાં વહેણ વધતા એક અઠવાડિયું બાળકો શાળા જઈ શક્યા નથી.*
ભારે વરસાદના કારણે ગત અઠવાડિયામાં નદીનો જળસ્તર વધતા આ વિસ્તારમાં આવેલી બે પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા 40 જેટલા બાળકો એક અઠવાડિયા સુધી શાળામાં જઈ શક્યા નહોતા. પરિણામ સ્વરૂપ માતા-પિતા, તેમજ શિક્ષકોની મદદથી ઘર બેઠા જ વિદ્યાર્થીઓએ અભ્યાસ મેળવ્યો હતો.
*નદી ઉપર બનાવેલું નાળું પ્રથમ વરસાદમાં ધોવાયો, ત્રણ ગામોના લોકો પ્રભાવિત.*
ઢાળસીમલમાં ગત વર્ષે નદી ઉપર નાળુ બનાવવામાં આવ્યું હતું પરંતુ પ્રથમ વરસાદમાં જ નાળું ધોવાઈ જતા અહીંયા ના લોકોની અવર-જવર ઉપર અંકુશ આવી ગયું. એકમાત્ર નાળા ઉપરથી અવરજવર કરતા લોકો હવે જોખમી રીતે નદી પાર કરી રહ્યા છે. ઈમરજન્સીમાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. અનેકવાર સ્થાનિક કક્ષાએ રજૂઆત કરવા છતાં કોઈ નક્કર કામગીરી ન થતા હવે ગ્રામજનો પણ રજૂઆત કરવાનું મૂકી દીધું છે.
—
