
રાજેશ વસાવે :- દાહોદ
લીમખેડા દેવગઢબારિયા તેમજ ઝાલોદમાં પણ વરસાદ: રસ્તા ઉપર ઝાડ પડી જતા માર્ગ અવરોધિત થયાં..
દાહોદમાં દિવસ દરમિયાન ગરમી અને બફારા બાદ સાંજે તોફાની પવન તેમજ ગાજવીજ સાથે કમોસમી વરસાદ,
દુકાનોમાં પાણી ફરી વળતા વેપારીને નુકસાન.
દાહોદ તા. 21
દાહોદમાં ચોમાસાના આગમન પૂર્વે જ ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો.જેના લીધે દિવસ દરમિયાન ગરમી અને બફારા વચ્ચે ત્રસ્ત બનેલા શહેરીજનોને રાહત મળી હતી. આ પૂર્વે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આપવામાં આવેલી આગાહી સાચી પડી હતી અને દાહોદ શહેર સહીત આસપાસના તાલુકા મથકો ઉપર ઢળતી સાંજે ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યારે દાહોદમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. સાંજના સમયે આવેલા કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
અરબ સાગરમાં સાયકોલોનીક સર્ક્યુલેશનની અસર થતા રાજ્યના હવામાન વિભાગ દ્વારા તારીખ 21 થી 26 સુધી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી આપી હતી. તેના લીધે દાહોદમાં ચોમાસાના વિધિવત રીતે આગમન પહેલા જ કમોસમી વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. દાહોદ શહેર સિવાય ઝાલોદ લીમડી, લીમખેડા બારીયા સહિતના વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. ભારે પવનના કારણે બારીયા તેમજ લીમખેડા વિસ્તારમાં રસ્તા ઉપર ઝાડ પડી જતા માર્ગ અવરોધીત થયા હતા. દાહોદ શહેરના દર્પણ રોડ,પર માર્ગ પર પાણી ફરી વળતા દુકાનોમાં પાણી ભરાયા હતા. જેના લીધે વેપારીઓને વ્યાપક નુકસાન થયું છે. તેવી જ રીતે ભીલવાડા તળાવ ફળિયામાં પણ પાણી ભરાઈ ગયા હતા. સ્માર્ટ સિટી અંતર્ગત નવા રોડ બનતા મુખ્ય માર્ગને જોડતા રસ્તાઓ નીચા થતા પ્રથમ વરસાદે જ નગરજનોને હાલાકી થઈ રહી છે.જયારે વિધિવત રીતે ચોમાસુ આવશે ત્યારે પરિસ્થિતિનું નિર્માણ થશે.તે જોવુ રહ્યું..