સામાજિક પ્રસંગમાં હાજરી આપવા મકાનમાલિક બહારગામ ગયા અને તસ્કરોએ કસબ અજમાવ્યો.

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

સામાજિક પ્રસંગમાં હાજરી આપવા મકાનમાલિક બહારગામ ગયા અને તસ્કરોએ કસબ અજમાવ્યો.

દાહોદના ગોદીરોડ ખાતે એપાર્ટમેન્ટના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા: ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ પર હાથફેરો..

દાહોદ તા.04

દાહોદ શહેરના ગોદી રોડ વિસ્તારમાં આવેલા એક અપાર્ટમેન્ટમાં સામાજિક પ્રસંગમાં હાજરી આપવા મકાનને તાળું મારી બહારગામ ગયા હતા દરમિયાન રાત્રિના સમયે ચોરીના મક્કમ ઇરાદે આવેલા તસ્કરોએ બંધ ઘરના દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને તિજોરીમાં મુકેલા 5000 રૂપિયાની રોકડ રકમ તેમજ ચાંદીના દાગીના સહિતના મુદ્દામાલ પર હાથફેરો કરી ભાગી છૂટ્યા હતા. જે બાદ ઘટના સ્થળે પહોંચેલી બી ડિવિઝન પોલીસે આસપાસમાં લાગેલા સીસીટીવી કેમેરાની મદદથી તસ્કરોનો પગેરૂ મેળવવા પ્રયાસો હાથ ધર્યા છે.

 

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ગોદીરોડ જૂની પોલીસ ચોકી સામે આવેલા સરસ્વતી એપાર્ટમેન્ટના રહેવાસી સુરેશ જગદીશભાઈ અગ્રવાલ ગતરોજ રાત્રિના સમયે મકાનના વાસ્તુપૂજનના કાર્યક્રમમાં હાજરી આપવા મકાનને તાળું મારી ગયા હતા. દરમિયાન રાત્રિના સમયે અજાણ્યા તસ્કરોએ બંધ મકાનના દરવાજાનો નકુચો તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો. અને તિજોરી નો સામાન વેર વિખેર કરી તિજોરીમાં મુકેલા ત્રણ જોડી ચાંદીના ઝાંઝર, ચાંદીના સિક્કા તેમજ 5000 રૂપિયાની રોકડ રકમ પર હાથ ફેરો કરી બાકી છૂટ્યા હતા. ત્યારબાદ મકાનમાં ચોરી થયા ની જાણ મકાનમાલિક ને થતા તેઓ દાહોદ આવ્યા હતા અને બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી આસપાસમાં લાગેલા સીસીટીવી કેમેરાની ફૂટેજ ના આધારે તસ્કરોનો પગેરૂ મેળવવા તપાસ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખની એ છે કે રાત્રે 9:00 વાગે મકાનને તાળું મારી ઇન્દોર ખાતે ગયેલા હતા. જેની જાણ તસ્કરોને કેવી રીતે થઈ કોઈ જાણભેદુ દ્વારા ગણતરીના કલાકોમાં ચોરીની ઘટનાને અંજામ આપી હોવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી છે. જોકે હાલ પોલીસે આ દિશામાં પણ તપાસ હાથ ધરી છે.

Share This Article